અમરિંદર સિંહે આખી ટીમ સાથે રાજીનામું આપ્યું, કહ્યું- 2 મહિનામાં 3 વખત દિલ્હી બોલાવાયો, સતત અપમાન કરાયું, હવે મરજી હોય તેને CM બનાવી લે

September 18, 2021

જલંધર : પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યપાલ બીએલ પુરોહિતને સમગ્ર મંત્રિમંડળનું રાજીનામું આપ્યું છે.

કેપ્ટન સાંસદ પત્ની પરનીત કૌર અને દિકરા રણઈંદર સિંહ સાથે રાજભવન પહોંચ્યા હતા અને પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું. કેપ્ટન ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ હાઈકમાનનું વલણ જોઈને કેપ્ટનના ખાસ લોકોએ પણ તેમનાથી અંતર કરી લીધું છે.

રાજભવનથી નીકળીને મીડિયા સાથે વાત કરતાં અમરિંદરે કહ્યું- મારો નિર્ણય આજે સવારે જ થઈ ગયો હતો. મેં કોંગ્રેસ પ્રેસિડન્ટ સાથે વાત કરી હતી અને તેમને સવારે જ કહી દીધું હતું કે, હું રાજીનામું આપી રહ્યો છું. મને ત્રણ ત્રણ વખત દિલ્હી બોલાવવામાં આવ્યો. મારા ઉપર શંકા છે કે હું સરકાર નહીં ચલાવી શકું. મને શરમ આવી રહી છે.

2 મહિનામાં 3 વખત એસેમ્બલી મેમ્બર્સને દિલ્હી બોલાવવામાં આવ્યા. ત્યારે જ મેં નક્કી કર્યું કે, હવે હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દઈશ અને તેમને જેમના પર વિશ્વાસ હોય તેને મુખ્યમંત્રી બનાવી દે.

ફ્યુચર પોલિટિક્સ શું છે તેનો વિકલ્પ હંમેશા ખુલ્લો હોય છે. હું પણ તે વિકલ્પનો ઉપયોગ કરીશ. જે મારા સાથી છે, સપોર્ટર છે. સાડા 9 વર્ષથી હું મુખ્યમંત્રી રહ્યો, તે દરમિયાન જેઓ મારી સાથે રહ્યા, તેમની સાથે વાતચીત કરીને હું આગળનો નિર્ણય કરીશ. હું કોંગ્રેસ પાર્ટીમાં છું.સાથીઓ સાથે વાત કરીને આગળની પોલિટિક્સનો નિર્ણય કરીશ.