જામનગર અને ભાવનગરમાં કોંગ્રેસનું પરફોર્મન્સ સુધરવાની શક્યતા

February 22, 2021

ગાંધીનગરઃ અમદાવાદ સહિત ૬ મહાનગરોમાં સત્તા સ્થાને બેઠેલા ભાજપે ચૂંટણીપ્રચાર વખતે છએ મ્યુનિસિપલ કોર્પોરેશનોની આ વેળાની ચૂંટણીમાં વિરોધ પક્ષ કોંગ્રેસનાં સૂપડા સાફ કરી વધુ પ્રમાણમાં ડિપોઝિટ ડૂલ કરવાનો દાવો તો કર્યો હતો, પરંતુ રવિવારે મતદાનનો ટ્રેન્ડ તથા ઓછા મતદાનને કારણે ભાવનગર અને વિશેષતઃ જામનગરમાં ભાજપને માર પડે અને કોંગ્રેસનું પરફોર્મન્સ સુધરે તેવા અણસાર છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકો જીતવાનું અંતર રાજકોટમાં વધે તથા અમદાવાદમાં ઘટે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.  ભાવનગરમાં બાવને બાવન બેઠકો આ વખતે કબજે કરવાનો ભાજપે દાવો કર્યો હતો, પણ છેલ્લે ૨૦૧૫માં ૩૪ બેઠકો મેળવનારી આ પાર્ટીમાં આંતરિક ખટરાગનો વિરોધ પક્ષ કોંગ્રેસને ફાયદો મળી રહ્યો છે,
રાજકોટમાં ૨૦૧૫માં માત્ર ૪ બેઠકો માટે  સત્તા ગુમાવનારા કોંગ્રેસનું પરફોર્મન્સ નબળું પડયું હોવા બાબતે પાર્ટીના મોટા નેતાઓ એક મત છે, થેન્ક્સ ટુ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જેમણે પોતાની કર્મભૂમિમાં અનેક વિકાસકાર્યો હાથ ધર્યા હોઈ પાર્ટીના ઉમેદવારોને એનાથી ફાયદો મળી રહ્યો છે, તો બીજી તરફ પાટીદાર ફેક્ટરની ગેરહાજરી ઉપરાંત કોંગ્રેસમાં આંતરિક ડખા ચરમસીમાએ છે. અમદાવાદમાં આ વખતે લાંભા, ચાંદખેડા, સરદારનગર, કુબેરનગર, અસારવા, ગોતા, રાણીપ, સરખેજ જેવા વોર્ડ્સમાં કોંગ્રેસનું પરફોર્મન્સ ખાસ્સું સુધરે અને એક-બે વોર્ડમાં આખેઆખી પેનલ ઊતરે એવો આશાવાદ પાર્ટીના નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે તો સુરતમાં અને વડોદરામાં ખુદ કોંગ્રેસના નેતાઓને આ વેળા પાર્ટીના બૂરા હાલની ચિંતા છે.