પીએમ કેર પર ટ્વીટ કરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ફસાયા, કર્નાટકમાં એફઆઇઆર દાખલ

May 21, 2020

નવી દિલ્હી : કોરોના વાયરસે એક તરફ દેશને ભરડામાં લીધો છે ત્યાં બીજી તરફ ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય જંગ ચાલી રહ્યો છે. કોરોના સંકટ માટે બનાવવામાં આવેલા પીએમ કેર ફંડ પર વિપક્ષ મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

પીએમ કેરને લઇને એક ટ્વીટને કારણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે ફરીયાદ બાદ કર્નાટકમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. બીજેપી કાર્યકર્તા અને વકીલ પ્રવીણ કેવી નામના વ્યક્તિએ એફઆઇઆરમાં આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી ફેલાવમાં આવી રહીં છે.

11 મે ના રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કેર ફંડને લઇને કેટલાક આરોપ લગાવામાં આવ્યાં હતા તેને લઇને આ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. કર્નાટક પોલીસે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સામે આઈપીસીની કલમ 153, 505 અંતર્ગત એફઆઇઆર દાખલ કરી છે. FIRમાં અપીલ કરવામાં આવી છે કે સોનિયા ગાંધીની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ.

કોંગ્રેસ જણાવ્યુ કે, જ્યારે વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાં 3800 કરોડ રૂપિયા પહેલાથી પડ્યા છે તો અલગથી ટ્રસ્ટ બનાવવાની શું જરૂર હતી? આ ટ્રસ્ટના નિયમ અને ખર્ચ પર ટ્રાન્સપરેન્સીની અછતનો આરોપ લગાવતા જણાવ્યુ કે, અલગથી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની જગ્યાએ નરેન્દ્ર મોદીને પીએમ રાષ્ટ્રીય રાહત ભંડોળનું નામ બદલી દેવું હતુ.

કોંગ્રેસ સાસંદ શશિ થરૂરે સવાલ ઉઠાવ્યો છે કે વડા પ્રધાનની આકર્ષક શબ્દભંડોળમાં વિશેષ રૂચિને ધ્યાનમાં રાખીને સીધા વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળ અથવા પીએમએનઆરએફનું નામ બદલીને પીએમ-કેર રાખી શકાતું હતું. પરંતુ એક નવા ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી છે જેના નિયમો અને ખર્ચાને લઈને કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી.