ટોરોન્ટોમાં સસ્તા દરની હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા શરૂ કરવા વિચારણા

May 07, 2022

  • કાઉન્સિલનાં કમિટીનાં સભ્યોએ યોજનાની તરફેણમાં મતદાન કર્યું
ટોરોન્ટો : ટોરોન્ટોનાં મેયરની કમિટીએ બુધવારે જણાવ્યું હતું કે, તેઓ શહેરની આજુબાજુનાં વિસ્તારમાં સસ્તી મ્યુનિસિપલ હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા શરૂ કરવા વિચારી રહ્યા છે. કમિટી સર્વાનુમતે કનેક્ટ ટોરોન્ટો પ્રોગ્રામનું નવિનીકરણ કરી એનો અમલ કરવાનો વિચાર કરી રહી છે. કાઉન્સિલનાં કમિટીનાં સભ્યોએ 11 મેના રોજ આ યોજનાની તરફેણમાં મતદાન કર્યું હતું. શહેરનાં રહેવાસી પૂરતી સસ્તા દરની હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા દરેક પરિવાર સુધી પહોંચે તેવું આયોજન કર્યું છે.
પ્રાથમિક તબક્કે આ યોજના શહેરના વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે. જેનો લાભ સામાન્ય લોકો પણ લઈ શકે તેવી સસ્તી યોજના હશે. કમિટીએ મ્યુનિસિપાલિટીને આ યોજના આડે આવતાં રાજકીય અવરોધો દૂર કરવામાં આવે અને હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા ઝડપથી શરૂ કરી શકાય તેવા કામમાં મદદ કરે તેવી માંગ કરી છે.  સસ્તી હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવાનો નિર્ણય લેવાનું કારણ એવું છે કે, હજુ થોડા સમય પહેલાં શહેરનું એક પ્રતિનિધિ મંડળ મેયર જ્હોન ટોરીને મળ્યું હતું અને આ મુલાકાત દરમિયાન શહેરમાં ઈન્ટરનેટ સેવાની આવશ્યકતા તથા તે સસ્તી અને ઝડપી હોય તે બાબતે માંગણી કરાઈ હતી. તેનાં અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.