અમેરિકાના 50 રાજ્યોમાં ટ્રમ્પ સમર્થકો દ્વારા સશસ્ત્ર આંદોલનનું કાવતરું : FBI

January 13, 2021

વોશિંગ્ટન: આગામી દિવસોમાં અમેરિકી સંસદ પર વધુ હુમલા કરાય તેવી ચેતવણી વોશિંગ્ટન પોલીસ અને એફબીઆઇ દ્વારા જારી કરાઇ છે. વોશિંગ્ટન પોલીસે ડેમોક્રેટ સાંસદોને અમેરિકી સંસદ પર હુમલાના વધુ ૩ કાવતરાં અંગે માહિતી આપી છે. અમેરિકાની ઘરેલુ ઇન્ટેલિજન્સ એજન્સી એફબીઆઇએ પણ ચેતવણી જારી કરી છે કે જો બાઇડેનના શપથ ગ્રહણ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખપદેથી હટાવવામાં આવશે તો દેશના તમામ ૫૦ રાજ્યોમાં સશસ્ત્ર વિરોધ પ્રદર્શનો ફાટી નીકળશે.

એફબીઆઇના ઇન્ટરનલ બુલેટિનમાં ચેતવણી અપાઇ છે કે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ થઇ શકે છે અને તે ૨૦મી જાન્યુઆરીના રોજ જો બાઇડેનના શપથગ્રહણ સુધી લંબાય તેવી સંભાવના છે. દેશના તમામ ૫૦ રાજ્યોમાં ટ્રમ્પના કટ્ટર સમર્થકો દ્વારા સશસ્ત્ર વિરોધ પ્રદર્શનો શરૂ કરવાની યોજના તૈયાર કરાઇ છે. ચેતવણી પણ આપી છે કે સશસ્ત્ર ટ્રમ્પ સમર્થકો રાજ્યોની એસેમ્બ્લીઓને નિશાન બનાવી શકે છે. બીજી તરફ ટ્વિટરે સોમવારે QAnon conspiracy થિયરી સાથે સંકળાયેલા ૭૦,૦૦૦થી વધુ ટ્રમ્પ સમર્થકોના ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધાં હતાં.