કેનેડામાં અપેક્ષાથી વિપરીત મકાનોની કિંમતમાં ઉછાળો

November 10, 2020

  • આર્થિક કટોકટીના સમયમાં રિયલ એસ્ટેટને અસર ન થવા સામે સવાલો ઉઠયા, રાહત પેકેજને કારણે બોજ ન પડવાનો શાસકોનો દાવો
ટોરોન્ટો : ઘણાં લોકોને હજુ એ વાત સમજાતી નથી કે, વૈશ્વિક સ્તરે મહામારીને કારણે સર્જાયેલી આર્થિક કટોકટી છતાં કેનેડામાં મકાનોની કિંમત વધી રહી છે. તે અંગે અનેક ર્તકો છે. હાલ મકાનની કિંમતમાં સરેરાશ ૧૭ ટકા જેટલો વધારો થયો છે.
જો કે, કેમ કિંમતો વધી તેવા સવાલનો જવાબ મેળવવા માટે તમારે પણ અમારા જેવા અર્થશાસ્ત્ર વિશે લખનારા અને સમજવાનો પ્રયાસ કરનારાઓની જેમ એ વાતનો અભ્યાસ કરવો પડશે. એમ કેનેડા મોરગેજ એન્ડ હાઉસિંગ કોર્પોરેશનના વડાએ કહ્યુંં હતું. તેમણે કહ્યુંં હતું કે, આ વર્ષે જે પાઠ ભણવા મળ્યો છે એ સરકારી તંત્રના ભ્રામક આંકડાઓથી અલગ છે. પ્રોપર્ટી માર્કેટની વાસ્તવિકતા અલગ જ છે. સરકાર સંચાલિત સીએમએચસીના વડા ઈવાન સિડાલ કહે છે કે, એક સમયે એમને પણ એવું લાગ્યું હતું કે, કોવિડ -૧૯ની મહામારીની અસર આ સેકટર પર થશે અને મકાનોની કિંમતમાં ૯ થી ૧૮ ટકાનો ઘટાડો થવાની શકયતા છે.
આ મુદ્દે તેમની રીયલ એસ્ટેટ સેકટરના કેટલાક સભ્યો સાથે ગરમાગરમી પણ થઈ હતી. કેમ કે, તેઓ ભાવ ઘટવાની આગાહીથી નારાજ થયા હતા. કેમ કે, રીયલ એસ્ટેટ એજન્સીઓ અને તેમને ધિરાણ આપનારાઓના સલાહકારોને સરકારની વાત ગળે ઉતરતી નહોતી. 
લોકડાઉનને કારણે બેરોજગારી અને અન્ય સમસ્યાઓ ઉભી થઈ હોવા છતાં મકાનોની કિંમત પર એની કોઈ સીધી અસર પડે એવું આ સેકટર માનતું નહોતુ. હવે એમની આગાહી સાચી પડી રહી છે. ત્યારે સરકારી એજન્સીઓને ગળે એ વાત ઉતરતી નથી.  સીએમએચસીની ભુલ એ હતી કે, તેમણે હાઉસિંગ માર્કેટનો સંપર્ક સાધીને અંદાજ બાંધ્યો હતો. તેઓ બેરોજગારી, લોકોની ખર્ચવાની શકિત જેવી બાબતો પર વધુ ધ્યાન આપી રહ્યા હતા. હકીકતમાં એ બધી બાબતોની અસર મકાનોની કિંમત પર પડી નહોતી. વળી, સરકારે અસરગ્રસ્તોને કટોકટીમાં આર્થિક રાહત પણ આપી હતી. એટલે લોકો પર દેવાનો બોજ સીધો આવ્યો નહોતો.