ઓન્ટેરિયોમાં મંકીપોક્સના કેસ કાબૂમાં, રસીની વ્યૂહરચના ઉપયોગી : ડો. મૂર

July 16, 2022

ટોરોન્ટો: ઓન્ટેરિયોમાં મંકીપોક્સના કેસોમાં ઝડપી વૃદ્ધિ થતી અટકી છે અને તેની રસીકરણ વ્યૂહરચના કામ કરી રહી હોવાનું પ્રાંતના ટોચના ડૉક્ટરે કહ્યું હતું. ચીફ મેડિકલ ઓફિસર ઑફ હેલ્થ ડૉ. કિરન મૂરે જણાવ્યું હતું કે, મંકીપોક્સ તેના 21 દિવસ સુધીના લાંબા સમયગાળાને કારણે ઘણા મહિનાઓ સુધી રહેશે, પરંતુ ઓન્ટેરિયોમાં વાયરસની તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી નથી.
હાલમાં કેસોની સંખ્યા ઝડપથી નથી વધી રહી, પરંતુ તે વધારો જરૂર થઈ રહ્યો છે. અમને લાગે છે કે, તે ઑન્ટેરિયોમાં સ્થિર થઈ રહ્યું છે.
મૂરે ઉમેર્યું કે, ઓન્ટેરિયોમાં 6 જુલાઈ સુધીમાં 133 કેસની ઓળખ થઈ હતી. જેમાં મોટાભાગના ટોરોન્ટોમાં હતા અને અન્ય શહેર સાથે જોડાયેલા હતા. પબ્લિક હેલ્થ ઓન્ટેરિયોમાં બે અઠવાડિયા અગાઉ 33 કેસ નોંધાયા હતા. 6 જુલાઈ સુધી નોંધાયેલા તમામ કેસ 20થી 65 વર્ષની વય વચ્ચેના પુરુષોમાં જોવા મળ્યા છે. મંકીપોક્સ સામાન્ય રીતે લોકો વચ્ચે સરળતાથી ફેલાતો નથી. એ શ્વસન તંત્ર દ્વારા લાંબા સમય સુધી નજીકના સંપર્ક દ્વારા, ચામડીનાં જખમ અથવા શારીરિક પ્રવાહી સાથે સીધો સંપર્ક અથવા દૂષિત કપડાં અથવા પથારી દ્વારા ફેલાય છે.