વિદેશ પ્રવાસથી વિવાદ, અલ્બર્ટાના કેબિનેટ મંત્રી અને પ્રિમીયરના ચીફ ઓફ સ્ટાફના રાજીનામા

January 09, 2021

  • પ્રતિબંધ છતાં અનેક ચુંટાયેલા પ્રતિનિધિઓએ જ ક્રિસમસ દરમિયાન પ્રવાસ ખેડયો, પાંચ ધારાસભ્યોને પણ પદભ્રષ્ટ કરાયા

અલ્બર્ટા : અલ્બર્ટાના પ્રિમીયર જેસોન કેનીએ ગ્રાન્ડે પ્રેઈરીના ધારાસભ્ય ટ્રેસી એલાર્ડનું મ્યુનિસીપલ અફેર્સ મિનીસ્ટર પદેથી અને એમના ચીફ ઓફ સ્ટાફ જેમી હકબેના રાજીનામા સ્વીકારી લીધા હતા. એ બધા હવે કેનેડાના એવા રાજકારણીઓની યાદીમાં સામેલ થઈ ગયા છે જેમણે પ્રતિબંધ હોવા છતાં વિદેશ પ્રવાસ કર્યા છે. જેમાં ઓન્ટેરિયોના પૂર્વ નાણાંમંત્રી રોડ ફિલીપ્સ, પ્રોગ્રેસીવ કન્ઝર્વેટીવ, લિબરલ એમપી કમલ ખેરા અને ન્યુ ડેમોક્રેટ એમપી નીકી એસ્ટોેનનો સમાવેશ થાય છે. કેનીએ સોમવારે પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમણે અન્ય પાંચ યુનાઈટેડ કન્ઝર્વેટીવ પાર્ટીના એમએલએને પણ પદભ્રષ્ટ કર્યા છે. જેમણે રજાઓમાં વિદેશ પ્રવાસ કર્યો હતો. કેલગેરી કલેઈનના એમએલએ જેર્મી નિક્ષાનને તેમના પાર્લામેન્ટરી સેક્રેટરી ફોર સિવીલ સોસાયટીના પદેથી હટાવ્યા છે. જયારે રેડ ડીયર સાઉથના એમએલએ જેસન સ્ટીફનને ટ્રેઝરી બોર્ડમાંથી હટાવી દેવાયા હતા. કેલગેરી પેગાન્સના ત્રણ એમએલએ તાન્યા ફર, ફોર્ટ મેકમુરે વુડના ટેની યાઓ અને સ્લેવ લેકના પેટ રેનને લેજીસ્લેટર કમિટીમાંથી પદભ્રષ્ટ કરાયા છે. ટ્રાન્સપોર્ટેશન મિનીસ્ટર રીક મેકલેવર હવે મ્યુનિસીપલ અફેર્સનો હોદ્દો સભાળશે અને વર્તમાન પ્રિન્સીપલ સેક્રેટરી લેરી કોમેયર વચગાળાના ચીફ ઓફ સ્ટાફનો કાર્યભાર સંભાળશે. તેમણે કહ્યુંં હતું કે અલ્બર્ટાના હજારો લોકોએ છેલ્લા દસ મહિનામાં સામાજિક સુરક્ષા માટે સાચુ યોગદાન આપ્યું હોય અને જાહેર જીવનના નેતાઓ બેજવાબદાર વર્તન કરે તો નાગરિકો રોષ વ્યકત કરે એ સ્વાભાવિક છે. કેનીનું આ નિવેદન અલ્બર્ટાના નેતાઓના વેકેશન પ્રવાસ વિશે જાહેરમાં ટીકા થતી હોય એવા સમયે આવ્યું હતું.