કોપ-26 ફોટોગ્રાફી સ્પર્ધામાં કેનેડિયન ફોટો જર્નાલિસ્ટ ઝળક્યો

November 22, 2021

  • ટ્રકમાં લઈ જવાતી ગાયો તથા અન્ય એક ફોટોની ઈનામ માટે પસંદગી થઈ
ટોરોન્ટો : એક કેનેડિયન ફોટોગ્રાફરે યુ.એન. ક્લાઈમેટ કોન્ફરન્સ ફોટો સ્પર્ધામાં ટોચનું ઇનામ મેળવ્યું હતું. જો-એને મેક આર્થરે સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે 12મી નવેમ્બરના રોજ યોજાયેલી કોપ-26 ફોટોગ્રાફી સ્પર્ધામાં 2 ઇનામ મેળવ્યા હતા. તેના એનિમલ્સ નામના આ ફોટોગ્રાફે તેને આ સિદ્ધી અપાવી હતી. મેક આર્થરે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, આ ફોટોગ્રાફમાં ગાયોને એક ટ્રકમાં લઇ જતી દર્શાવવામાં આવી છે. આ ઘટના બલ્ગેરિયા અને તુર્કીની સરહદ ઉપર બની હતી. હું માનું છું કે, આ ફોટાનું મહત્વ એવુ છે કે, પ્રાણીઓનો આહાર માટે ઉપયોગ કરવા ગાયનું પરિવહન એક છુપા એજેન્ડાનો ભાગ છે. કેનેડામાં દર વર્ષે લાખો પ્રાણીઓની લેવડ દેવડ થાય છે. તમે જાણો છો કે આનો ઉપયોગ માંસાહાર માટે કરવામાં આવે છે અને હું તેનો સખત વિરોધી છું. મેક આર્થર પોતે શાકાહારી છે. તેણે જણાવ્યું હતું કે, આપણે જયારે પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેના પરિણામો વિષે વિચારતા નથી. જોકે, પ્રાણીઓ માટે આ બાબત સારી નથી. પરંતુ માણસજાત માટે પણ માંસાહાર સારી બાબત નથી. કારણકે તેના કારણે પર્યાવરણમાં પણ ભારે મોટું પરિવર્તન આવે છે. મેક આર્થરે ગ્રીન હાઉસ ગેસ એમિશનના વિષયનો અભ્યાસ કર્યો છે અને હાલમાં તે પર્યાવરણને લઈને પણ કામ કરી રહી છે. તેણે જણાવ્યું હતું કે, આવા બનાવોની પણ પ્રાયાવરણ પર ભારે અસર થાય છે.  કેનેડામાં આ જ કારણોસર જંગલી આગના બનાવો વધવા લાગ્યા છે. તેમણે પોતાના ફોરગ્રાફને પસંદ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઓસ્ટ્રેલિયા ખાતે જંગલની આગમાં સપડાયેલા કાંગારુંઓના ફોટોગ્રાફે પણ સારી ચર્ચા જગાવી હતી. તેના કામની ચર્ચા કરતા તે કહે છે કે, ઘણી વખતે મારે લાંબા અને જોખમી પ્રવાસો કરવા પડે છે. એવા સમયે પરિસ્થિતિ પણ ભારે જોખમી હોય છે. તેણે કહ્યું હતું કે, મારા આ પ્રવાસો ક્લાઈમેટ ચેન્જને લગતા જ હોય છે અને મને આ કામનું મહત્વ સમજાય છે.  તેઓ મોટેભાગે પ્રાણીઓ સબંધી વિષયો ઉપર વધારે ધ્યાન આપે છે અને કહે છે કે, પ્રાણીઓ પરની ક્રૂરતા જ પર્યાવરણને જોખમમાં મુકવાનું કારણ છે.