કોરોના: દેશમાં ૨૪ કલાકમાં ૧,૦૫૪નાં મોત, નવા ૮૩,૮૦૯ દર્દી ઉમેરાયા

September 16, 2020

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર મંગળવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના ૮૩,૮૦૯ નવા કેસ સામે આવતાં કુલ સંક્રમિતોની સંખ્યા ૪૯,૩૦,૨૩૭ ઉપર પહોંચી હતી. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં વધુ ૧૦૫૪ દર્દીના કોરોના સંક્રમણના કારણે મોત થતાં દેશમાં કુલ મૃતકોનો આંક ૮૦,૭૭૬ થયો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૩૮,૫૯,૪૦૦ દર્દી કોરોનાને માત આપી ચૂક્યા છે જ્યારે ૯,૯૦,૦૬૧ એક્ટિવ કેસ છે. કોરોના દર્દીઓમાં રિકવરી રેટ વધીને ૭૮.૨૮ ટકા નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને મંગળવારે જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઇ હજુ પૂરી થઇ નથી. રાજ્યસભામાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે સરકાર તમામ જરૂરી પગલાં લઇ રહી છે. દેશમાં રોજના લગભગ ૧૦ લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જે વિશ્વ આરોગ્ય સંસ્થાએ નક્કી કરેલા ધોરણ કરતાં ઘણા વધુ છે.