કોરોના-3: નિયમો પોષાય પણ લોકડાઉન નહીં

January 29, 2022

  • ઓમિક્રોનના ફેલાવા છતાં દુનિયાએ જોખમો સાથે જીવન જીવવાનો નિર્ણય લઈ લીધો 
  • ભારત, અમેરિકા, કેનેડા, ચીન જેવા દેશમાં પણ સરકારો પોતાની ક્ષમતા પ્રમાણે છુટછાટો આપવા માંડી, અર્થતંત્રની ગાડીને ચાલુ રાખવા નિયમો સાથે દુનિયા ફરી ધબકવા માંડી

દુનિયામાં છેલ્લાં 20 દિવસથી કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટે ફરી તરખાટ મચાવવાનો શરૃ કરી દીધો છે. અમેરિકા અને યુરોપમાં તો કોરોનાના દરરોજ લાકો કેસ નોંધાયા આમ છતાં લોકડાઉન મુકવા મુદ્દે દુનિયાના કોઈ પણ દેશની સરકારને ઝાઝો રસ નથી. કોરોનાની પહેલી લહેર વખતે મુકાયેલા નિયંત્રણોએ આખી દુનિયાના ધંધા ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડ્યુ હતુ જે બાદ વિવિધ દેશની સરકારો હવે લોકડાઉન જેવા આકરા પગલા લેવાના મુડમાં નથી. વળી, હવે તો કેટલાય દેશમાંથી નિયંત્રણો સામે અવાજ ઉઠવા માંડ્યા છે. દુનિયામાં બે વર્ષ કરતા પણ વધુ સમયથી કહેર વર્તાવી રહેલા કોરોના વાયરસના લક્ષણો આમ તો શરદી-ખાંસી અને તાવ છે. કેટલાક સંજોગો કે અપવાદોને બાદ કરતા મોટાભાગના દર્દીઓમાં આ લક્ષણોનો વર્તારો રહ્યો છે. તેથી લોકોને પણ હવે તેની નવાઈ નથી રહી અને ગભરાયા વિના સારવાર કરી રહ્યા છે. પહેલી લહેર વખતે સજ્જડ બંધ પાળીને આખી દુનિયા ઘરે બેઠી હતી. લોકોએ સ્વજનો ખોયા, વહીવટીતંત્રે કામ કરવાની ક્ષમતાઓ કોઇ તબક્કે ખોઈ દીધી કારણ કે આ અણધાર્યું હતું. ન ગમતા મહેમાનની પણ એક કદ પછી ટેવ પડી જાય, એવું કંઇક આ વાઇરસ સાથે થયું છે. કારણ કે આપણે બધા ધીરજથી, માસ્ક પહેરવાની ટેવ પાડીને, હાથ ધોવાની ટેવ પાડીને, બહાર જવાનું બને તો ટાળીને બધું એડજસ્ટ કરી રહ્યા છીએ. 

યુરોપિયન દેશોમાં જ્યાં ઓમિક્રોનના ક્રેસિઝ સતત વધી રહ્યા છે ત્યાં સરકારોએ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાનું ટાળ્યું છે. ફ્રાન્સમાં શિક્ષકોએ સ્કૂલ બંધ કરવાનો વિરોધ કર્યો અને સરકારે સ્કૂલો ચાલુ રાખી, અહીં રોજના એક લાખ કેસ આવી રહ્યા હોવા છતાં ય વેક્સિનના સુરક્ષા કવચ પર અહીં લોકોને પૂરો વિશ્વાસ છે. સ્પેનમાં કશું બંધ નથી, 80% લોકોએ રસી લઇ લીધી છે અને લોકો પોતાની ઘટમાળમાં ગોઠવાયેલા છે. ફ્રાન્સમાં કેલ્થ પાસ હોય તો વ્યક્તિઓ ગમે ત્યાં હરીફરી શકે છે તો બ્રિટનમાં તો કેલ્થ પાસ આપવાની તસ્દી પણ સરકારને નથી લેવી. ડેનમાર્ક, રશિયા, ફિનલેન્ડ, થાઈલેન્ડ, ઑસ્ટ્રેલિયા પોર્ટુગલ, જર્મની, હોલેન્ડ વગેરે દેશોમાં રોજેરોજ આવતા કેસિઝની સંખ્યા નાની નથી. ક્યાંક 20000થી વધુ છે તો ક્યાંક આંકડો લાખની આસપાસ છે પણ કોઇ પણ દેશની સરકારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત નથી કરી. નાના-મોટા પ્રતિબંધો લાગુ કરાય છે અને લોકો તેને અનુસરે છે.

વાસ્તવમાં વાઇરસના નવા વેરિયન્ટની શક્તિ અને અસરકારકતા પર પણ જુદા જુદા અભિગમ અને તારણો બહાર આવી રહ્યા છે. તેથી વિશ્વ લોકડાઉનના વિકલ્પને પસંદ નથી કરી રહ્યું. જો કે દુનિયાના આ વલણનુ શું પરિણામ આવશે તે તો અત્યારે કોઈને ખબર નથી પરંતુ હાલ ‘હર્ડ ઇમ્યુનિટી’ માટે ‘જોઇ લઇશું’ વાળો અભિગમ ચાલી રહ્યો છે. નેધરલેન્ડઝની વાત કરીએ તો ત્યાં ડિસેમ્બરની ૧૯મી તારીખથી કડક લૉકડાઉન હતું, પણ ૨૫મી જાન્યુઆરી સુધી જ આ સ્થિતિ રહી. અને હવે ત્યાં જીમ, દુકાનો, સલૂન્સને અમુક નિયમો સાથેની છૂટ આપવાનું શરુ કરાયુ છે. યુકેના પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સન જેની આજકાલ ભારે ટીકા થઇ રહી છે કારણ કે દેશને લૉકડાઉનમાં નાખીને પોતે પાર્ટી કરી હતી તેમણે પણ એવું વિધાન કર્યું હતું કે ઓમિક્રોનના વેવ પર સવાર થઇને કોઇ પણ આકરાં પગલાં લીધા વિના આપણે તેમાંથી પસાર થઇ જશું. જર્મનીમાં વેક્સિન ન લેનારાને દંડ કરાશે તેવી જાહેરાત કરાઇ છે તો રોમાનિયામાં પણ માસ્ક ન પહેરનારાઓને આકરો દંડ કરવાની જોગવાઈ છે. અહીં જાહેર સ્થળોએ ૩૦થી ૫૦%ની ક્ષમતાએ જ લોકોને હાજરી આપી શકશે. આ તરફ ટર્કીમાં પણ કેસિઝનો આંકડો મોટો હોવા છતાં સરકાર લૉકડાઉન કે બંધનોને બદલે માસ્ક અને વેક્સિનેશન પર ભાર મૂકી રહી છે. ભારતના મુંબઇ, દિલ્હી, ગુજરાત એમ દરેક રાજ્યમાં અલગ અલગ નિયમો લાગુ કરાયેલા છે પણ ક્યાંય પણ સંપૂર્ણ લૉકડાઉનની વાત નથી થઇ રહી. યુરોપના દેશોથી સાવ જુદો અભિગમ છે ચીનમાં જ્યાં જરા સરખી ઢીલ નથી અપાતી - ત્યાં ત્રણ મુખ્ય શહેરો સજ્જડ લૉકડાઉનમાં છે, ત્યાં ઝીરો કૉવિડ પોલિસી છે, જે શહેરમાં થોડા ઘણા કેસ પણ આવે તે શહેર ક્વોરેન્ટાઇનમાં જ જતું રહે છે. જો કે લાન્સેટના એક રિપોર્ટ અનુસાર માસ્ક અને વેક્સિનેશન પર ગમે તેટલું જોર મુકાશે છતાં ઓમિક્રોનમાંથી આસાનીથી છટકી નહીં શકાય. માર્ચ ૨૦૨૨ સુધીમાં વિશ્વના મોટાભાગના દેશોમાં ઓમિકોનનું મોજુ ફરી વળ્યું હશે, આવી બાબતોથી વાકફે છતાં રોગચાળા ફાટી નીકળવાના એક વિષચક્રમાં ફસાયેલી દુનિયા હવે બંધ થવા નથી માગતી. અર્થતંત્રના હાડકાં નબળાં પડી જાય તો રાષ્ટ્ર માટે ખડા રહેવું જ શક્ય નથી અને માટે જ આકરા નિયમો પોસાય છે પણ લૉકડાઉન નહીં તે વાત હવે દુનિયા સમજી ગઈ છે. 

યુકેમાં ઓમિક્રોનના કેસોની સંખ્યામાં ઘટાડો થવાને પગલે માસ્ક પહેરવામાંથી અને કોવિડ પાસ બતાવવામાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. જયારે કેનેડામાં ચાલુ સપ્તાહે ઈન્ડોર ગેધરીંગ પાંચથી વધારીને 10 કરવામાં આવી હતી. સાથે જ હોટલોને 50 ટકા હાજરીની ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી અપાઈ છે. મનોરંજનના હેતુને ધ્યાનમાં રાખી થિયટરો ખોલવાની દીશામાં પણ સરકાર સકારાત્મ વલણ દાખવી રહી છે. 

રોગચાળાના ત્રીજા વર્ષમાં કોવિડ-૧૯ને કારણે વિશ્વના ૮૧ દેશોએ ૨૦.૫ મિલિયન વર્ષની જિંદગીઓ ગુમાવી છે. વળી જે રીતે વાઇરસે  સપાટો બોલાવ્યો છે એ જોતાં વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્યની જાળવણીની ક્ષમતાના માર્ગે આપણી સામે હાલમાં એક ડેડ એન્ડ જેવી સ્થિતિ છે. રિસર્ચ થઇ રહ્યા છે, કામ થઇ રહ્યું છે પણ દરેક બાબતની ગતિ એક સમય પછી ધીમી પડે છે. આ સત્યથી વાકેફ દુનિયાના બધા જ દેશો જિંદગી અટકાવી દેવા નથી માગતા. જ્યાં સુધી પાણી માથાની ઉપરથી ન વહે ત્યાં સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગુ નહીં કરીને અર્થતંત્રને દોડતું રાખવાનો અભિગમ હવે દુનિયાના બહુધા દેશોએ અપનાવી લીધો છે. એકંદરેસમતુલન જાળવીને બધુ સમુસુતરુ ચલાવી સકાય તેવો અભિગમ વૈશ્વિક સ્તરે અનુસરાઈ રહ્યો છે. વાયરસે શરૃઆતમાં દેખા દીધી ત્યારે આપણે સૌ, સામાન્ય લોકો, નીતિ લાગુ કરનારાઓ, ડોકટર્સ બધા જ તેનાથી અજાણ હતા. આ હવે જાણીતો દુશ્મન છે. અને તેની સામે લડવામાં શસ્ત્રોથી પણ હવે આપણે અપરિચિત નથી.  મોટાભાગના લોકો માને છે કે, સજ્જડ પ્રતિબંધો લાગુ કરવાનો વિકલ્પ ટાળવો જોઈએ. હજી પણ એન્ટરટેઈનમેન્ટ,  સ્પોર્ટ્સ, હેલ્થ કલબ, જેવી સવલતોના માલિકોને તેમનું ભવિષ્ય ધૂંધળુ લાગે છે. દુનિયાભરની સરકારોએ રોગચાળાનું સૌથી ખરાબ સ્વરૃપ જોઈ લીધું છે. તેથી હવે તેમને પોતાની ક્ષમતાની ખબર છે. જેને કારણે જ વિવિધ દેશમાં જુદી જુદી છુટછાટો આપવાનું શરુ કરી દેવાયુ છે. 

બાળકો માટેની રસીને મંજૂરી આપનારા દેશમાં તો હવે ઓફલાઈન સ્કૂલો શરુ થઈ રહી છે. ગત અઠવાડિયે ભારતના અનેક શહેરમાં શાળાઓ શરૃ થવાની દીશામાં પહેલ થઈ, મુંબઇના BMCના કમિશનરે એવી જાહેરાત કરી કે કોરોનાની આ સિઝનમાં જંગી ઉછાળો નહીં આવે અને આગામી સપ્તાહથી સ્કૂલો ચાલુ કરવાનો વિચાર કરાશે.