કોરોના : ચીન પછી હવે યુરોપમાં ઈટાલીના એક શહેરની પણ તાળાબંધી

February 23, 2020

કોડોગ્નો: ચીનમાં કોરોના વાઇર સે ભયાનક કેર સર્જ્યો છે અને વિશ્વના બીજા ક્રમના આૃર્થતંત્રને લગભગ થંભાવી દીધું છે. આ વાઇરસે ચીનમાં 2300થી વધુ લોકોનો ભોગ લીધો છે અને 77,000થી વધુ લોકોને ઝપેટમાં લીધા છે. કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે શી જિનપિંગ સરકારે આ રોગચાળાના એપી સેન્ટર એવા વુહાન શહેરમાં તાળાબંધી કરી દીધી છે. 

જોકે, આ વાઈરસના કારણે હવે ચીનની બહાર યુરોપના ઈટાલીમાં કોડોગ્નો શહેરમાં પણ તાળાબંધી કરવાની ફરજ પડી છે. ઈટાલીના કોડોગ્નો શહેરમાં કોરોના વાઈરસના કારણે બે લોકોનાં મોત નીપજતાં અને ત્રણ લોકો આ ચેપી રોગની ઝપેટમાં આવતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયેલું છે.

ઈટાલીના કોડોગ્નો શહેરમાં કોરોના વાઇરસના કારણે બે લોકોના મોત નીપજ્યાં પછી શહેરમાં શનિવારે તાળાબંધી કરી દેવાતાં માત્ર 15000ની વસતી ધરાવતા શહેરના રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા અને રહેવાસીઓને ઈમર્જન્સી રૂમમાંથી બહાર નહીં નીકળવા ચેતવણી અપાઈ હતી.

કોડોગ્નો શહેરમાં કોરોના વાઇરસથી પીડિત 38 વર્ષીય એક મહિલાને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મુકાઈ હતી જ્યારે ત્રણ લોકોના ટેસ્ટ પોઝીટિવ આવતાં શહેરના ઈમર્જન્સી રૂમ પર 'નો એન્ટ્રી'ના સાઈન બોર્ડ મૂકી દેવાયા હતા. શનિવારે ઈટાલીમાં કોરોના વાઇરસના કારણે બીજી એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું. ઈટાલીમાં કોરોનાના કારણે બે વ્યક્તિનાં મોત થતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે અને તંત્રે શહેરમાંથી આવવા-જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ચીનમાં વાયરસના કારણે વધુ 109 લોકોના મોત સાથે અહીં મૃતકોની સંખ્યા 2,345 થઈ ગઈ છે જ્યારે 76,288 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. દુનિયાના અન્ય દેશોમાં પણ આ વાઇરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

દક્ષિણ કોરિયામાં કોરોનાના નવા 142 કેસો સામે આવતાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 340 થઈ ગઈ છે. ઈરાનમાં પણ વધુ બેનાં મોત સાથે કુલ ચારનાં મોત નીપજ્યાં છે. વુહાનમાંથી 57 ઈરાની વિદ્યાર્થીઓને બહાર કાઢ્યાના લગભગ એક મહિના પછી આ મોત થયા છે.

દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગે શાસક કોમ્યુનિસ્ટ પાર્ટીના અિધકારીઓને શુક્રવારે ચેતવણી આપી છે કે આ જીવલેણ બીમારીનું હજી વિનાશક રૂપ બાકી છે. તેમાં હજી વધુ પ્રસાર થઈ શકે છે.

છેલ્લા કેટલાક દિવસથી ચીનમાં કોરોનાના સંક્રમણના કેસોની સંખ્યા ઘટવા છતાં આ રોગચાળો ટોચના સ્તર સુધી પહોંચ્યો નથી. બીજીબાજુ કોરોના વાઇરસના એપી સેન્ટર એવા વુહાન શહેરની તપાસ કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ની એક ટીમ ત્યાં જઈ શકે છે.