કોરોના ફેલાવવા નોટો પર થૂંક લગાવતો વીડિયો બનાવ્યો, ધરપકડ

April 05, 2020

નાસિક : કોરોના વાઇરસ સમગ્ર દેશમાં ફેલાઇ ચુક્યો છે તેમ છતા કેટલાક લોકો પરિસ્થિતિને ગંભીરતાથી લેવાને બદલે હાંસી ઉડાવી રહ્યા છે. મહારાષ્ટ્રના નાસીકમાં આવુ જ એક કૃત્ય કરવું એક યુવકને ભારે પડી ગયું હતું. આ યુવકે એક વીડિયો બનાવ્યો જેમાં તે ચલણી નોટો પર થુંક લગાવતો તેમજ નાક સાફ કરતો જોવા મળી રહ્યો છે. આ યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે.  

૩૮ વર્ષીય આ યુવકે ટીકટોક પર અપલોડ કરેલા વીડિયોમાં કહી રહ્યો છે કે કોરોનાની મહામારી વધુ તેજ થઇ જશે, કોરોના વાઇરસ અલ્લાહનો જવાબ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ જતા પોલીસ સમક્ષ સમગ્ર મામલો આવ્યો હતો. 

પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે અને જણાવ્યું હતું કે આ યુવકનું નામ સૈય્યદ બાબુ છે અને તે નાસિકના માલેગાંવનો રહેવાસી છે. તેની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો જ્યાં તેને સાતમી એપ્રીલ સુધી કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપ્યો હતો. કોરોના વાઇરસ એટલો ખતરનાક માનવામાં આવે છે કે તે આ રીતે છુંક લગાવેલી નોટોથી પણ ફેલાઇ શકે છે. જેને પગલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.