કોરોનાથી રેલવેને 24500 કરોડનું નુકસાન થયું, 13 હજાર ટ્રેનોમાંથી ફક્ત 230 જ ચાલી રહી છે

July 07, 2020

નવી દિલ્હી :  કોરોના સંકટને લીધે રેલવેને આશરે 24,717 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. પેસેન્જર ટ્રેનો બંધ હોવા તથા માલવહનમાં ઘટાડો થવાને કારણે આટલું નુકસાન થયું હતું. પેસેન્જર ટ્રેનો ન ચાલવાથી 12 ઓગસ્ટ સુધી આશરે 18,399 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. રેલવેએ 22 માર્ચે તમામ 13 હજારથી વધુ ટ્રેનો રદ કરી હતી, જે 12 ઓગસ્ટ સુધી દોડી નહીં શકે. હાલ ફક્ત 230 સ્પેશિયલ ટ્રેનો દોડી રહી છે. મુસાફરોની સંખ્યા સામાન્ય દિવસોની તુલનાએ 2 ટકાથી પણ ઓછી રહી ગઈ છે.

મુસાફરોથી થતી આવક સામાન્ય દિવસોની તુલનાએ 86 ટકા સુધી ઘટી ગઈ છે. ગત ત્રણ મહિનામાં માલવહન ઓછું થવાને લીધે 6,318 કરોડ રૂપિયાનું નુકસાન થયું. રેલવે અગાઉ રોજ આશરે 8 હજાર માલગાડીઓ ઓપરેટ કરતું હતું. રેલવે બોર્ડના સભ્ય(યાતાયાત) પી.કે.મિશ્રાએ જણાવ્યું કે 2019ની તુલનાએ ગત મહિને આશરે 80 ટકા સુધી માલવહન થયું. એટલે કે કોરોના કાળમાં માલવહનમાં 20 ટકાનું નુકસાન થયું.