કોરોનાથી ભારત આર્થિક મંદીમાં સપડાઇ શકે : રિઝર્વ બેન્ક

March 17, 2020

મુંબઇ : કોરોના વાઇરસથી ભારતીય અર્થતંત્રનો વિકાસ પણ ધીમો પડી શકે છે  તેમ આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસે આજે જણાવ્યું હતું. ચીન સાથેના વેપારનું પ્રમાણ વધારે હોવાથી ભારતીય ઉદ્યોગોને પણ કોરોનાની અસર થશે.

 ભારતમાં 100થી વધુ કેસો નોંધાયા હોવાથી ભારત પણ કોરોનાથી સંપૂર્ણપણે મુક્ત નથી. તેમણે જણાવ્યું હતું કે કોરોનાને કારણે આવેલી વૈશ્વિક મંદીની અસર ભારતમાં પણ જોવા મળશે. ભારતમાં પણ માગમાં ઘટાડો થઇ શકે છે. કોરોનાને કારણે ભારતીય અર્થતંત્રને કેટલું નુકસાન થશે તે અંગે આરબીઆઇ સમીક્ષા કરી રહ્યું છે અને આગામી દ્વિમાસિક નીતિની જાહેરાત વખતે આ અંગેનો અંદાજ રજૂ કરવામાં આવશે. ભારતીય અર્થતંત્ર પણ વૈશ્વિક અર્થતંત્ર સાથે સંકળાયેલુ હોવાથી ભારત પણ તેની અસરથી બચી શકશે નહીં. 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની હવે પછીને બેઠકમાં રેપો રેટેમાં ઘટાડો કરવાના રિઝર્વ બેન્ક વતિ આજે સંકેત અપાયા હતા. એમપીસીની હવે પછીને બેઠક 31મી માર્ચથી શરૂ થઈ 3 એપ્રિલ સુધી ચાલુ રહેશે. કોરોનાવાઈરસના ફેલાવાની અસરનો સામનો કરી રહેલા દેશના અર્થતંત્રમાં લિક્વિડિટીમાં વધારો કરવાના પગલાં પણ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે જાહેર કર્યા હતા.