કોરોના દેશમાં :24 કલાકમાં 2.35 લાખ નવા કેસ, 871નાં મોત; છેલ્લા 8 દિવસથી નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે

January 29, 2022

નવી દિલ્હી : દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 35 હજાર 532 કોરોનાના નવા કેસ મળ્યા હતા. આ દરમિયાન 3.35 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 871 લોકોનાં મોત થયાં છે. એના એક દિવસ પહેલાં ગુરુવારે 2,51,209 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા અને 627 લોકોનાં મોત થયાં હતાં. અગાઉના દિવસની સરખામણીમાં 15,677 ઓછા સંક્રમિત જોવા મળ્યા છે, એટલે કે નવા કેસોમાં 6%નો ઘટાડો થયો છે.

આ દરમિયાન શુક્રવારે પોઝિટિવિટી દર ઘટીને 13.39% થયો હતો. આના એક દિવસ પહેલાં ગુરુવારે પોઝિટિવિટી દર 15.88% હતો. છેલ્લા 8 દિવસથી નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્રીજી લહેર દરમિયાન 20 જાન્યુઆરીએ સૌથી વધુ 3.47 લાખ નવા કેસ મળી આવ્યા હતા.

હાલમાં દેશમાં એક્ટિવ કેસ, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 20.04 લાખ છે. મહામારીની શરૂઆતથી અત્યારસુધીમાં દેશમાં લગભગ 4.08 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

દેશમાં કોરોના પર એક નજર

  • કોરોનાના કુલ કેસ: 4,08,57,922
  • કુલ સાજા થયા: 3,83,49,059
  • કુલ મૃત્યુઃ 4,93,195