કોરોના દેશમાં :ત્રીજી લહેરમાં પ્રથમ વખત અઢી લાખ નવા કેસ નોંધાયા

January 13, 2022

નવી દિલ્હી : દેશમાં બુધવારનો દિવસ કોરોના વાઇરસના મુદ્દે ભયંકર દિવસ રહ્યો હતો. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 45 હજાર 525 નવા કેસ મળ્યા હતા, જે મંગળવારે મળી આવેલા 1.93 લાખ નવા કેસ કરતાં 52 હજાર વધુ હતા. એક મોટી વાત એ પણ છે કે દેશમાં કુલ મળીને એક્ટિવ કેસ, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 11 લાખને પાર થઈ ગઈ છે.

ત્રીજી લહેરમાં 24 કલાક દરમિયાન 2 લાખથી વધુ કેસ નોંધાયા છે અને કુલ એક્ટિવ કેસ 11 લાખને પાર થઈ ગયા છે. એ પ્રથમ વખત બન્યું છે. કુલ એક્ટિવ કેસ 6 જાન્યુઆરીએ 1 લાખ અને 8 જાન્યુઆરીએ 5 લાખ થયા હતા. આ રીતે માત્ર ચાર દિવસમાં જ બમણાથી વધુ એક્ટિવ કેસ વધી ગયા છે. માત્ર બુધવારે જ 1 લાખ 60 હજાર 667નો વધારો નોંધાયો છે. હાલમાં દેશમાં 11.09 લાખ કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે.

જોકે બુધવારે સાજા થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. કુલ 84,479 લોકો સાજા થયા, પરંતુ 379 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં કુલ 3.63 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાંથી 3.47 કરોડ લોકો સ્વસ્થ થઈ ગયા છે. અત્યારસુધીમાં 4 લાખ 85 હજાર 655 લોકોનાં મોત થયાં છે.