કોરોના ક્રેશ : વિશ્વની મોટાભાગની એરલાઇન્સ નાદારી નોંધાવે તેવો ભય

May 21, 2020

અમદાવાદ : કેન્દ્ર સરકારે આગામી ૨૫ મે થી કેટલીક ડોમેસ્ટિક ફલાઈટ્સ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અને ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોને કોરોના વાયરસનું જોખમ લઈને ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન સેવા પણ વ્યવહારુ અભિગમ સાથે ધાર્યા કરતાં વધુ ઝડપથી શરૂ કરી પડે તેમ છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઈએટીએ) જ્યારથી કોરોના વાયરસે વિશ્વમાં ઉડ્ડયન સેવા બંધ અથવા તો નહીંવત થઈ ગઈ છે ત્યારથી લગભગ ૧૫ દિવસે એરલાઈન્સની ખોટના આંકડા અપડેટ કરે છે. માર્ચ મહિનામાં તેઓને અંદાજ ૧૧૩ અબજ ડોલરની ખોટનો હતો હવે તેઓએ આ આંક ૩૧૪થી ૩૫૦ અબજ ડોલરનો માંડયો છે. આઈએટીએ જોડે વિશ્વની ૮૨ ટકા એરલાઈન્સનું સભ્યપદ છે.

તેવી જ રીતે સેન્ટર ફોર એશિયા પેસિફિક એવિએશને (સીએપીએ) પણ ચેતવણી પાઠવી દીધી છે કે જો જે તે દેશની સરકાર આર્થિક મદદ અને બેઈલ આઉટ જાહેર નહીં કરે તો મે મહિનાના અંત સુધીમાં મોટાભાગની એરલાઈન્સ કંપનીઓ નાદારી જાહેર કરશે. થાઈલેન્ડ એરલાઈન્સે ગઈકાલે જ બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી છે અને હવે ત્યાંની સરકારે તેને જીવીત રાખવા જંગી પેકેજની તૈયારી બતાવી છે.

હજુ આંતરરાષ્ટ્રીય વિમાન સેવા ક્યારે શરૂ થશે અને જો તેમ થશે તો પણ કેટલા પ્રવાસીઓ મળશે તેનો અંદાજ છેક આગામી ડિસેમ્બર સુધીનો નીકળી નથી શકતો તેથી કોઈ એરલાઈન્સ તેમના બિઝનેસનું આયોજન કે પ્રોજેક્શન પણ નથી કરી શકતી.

એરલાઈન્સ બેઠી થઈ શકવાની શક્યતા નહીંવત છે તેનું બીજું મહત્વનું કારણ એ છે કે સોશ્યિલ ડિસ્ટેન્સ અનિવાર્ય હોઈ એક પ્રવાસીની બાજુની એક સીટ તો ખાલી રાખવી પડે તેમ છે. આમ અડધી ક્ષમતા સાથે ફલાઈટ ચાલુ કરવી તે તો વધુ ખોટનો ધંધો પૂરવાર થાય તેમ છે. ટોચની એરલાઈન્સોની કેશ રીઝર્વ તળિયે ચાલી ગઈ છે. ચીનથી અને ચીનમાં આવતાં-જતા પ્રવાસીઓ પણ બીજા છ મહિના સુધી સંભવીત નથી. ચીનનું ટ્રાવેલ મોટો માર્કેટ શેર હોય છે.

એવું પણ જાણવા મળ્યું છે કે કોરોનાનો ભય બાજુએ મુકી તમામ દેશો લોકડાઉનને ઉઠાવી વ્યવહારૂ અભિગમ અપનાવતા ધંધા-ઉદ્યોગની જેમ એરલાઈન્સ પણ ઝડપથી શક્ય બનાવશે.

અમેરિકાનો લોંગ વિકેન્ડનો, અમેરિકા, યુરોપના દેશોનો મે-જૂનનો પ્રવાસી ધંધો અને ઓગસ્ટથી શરૂ થતાં શૈક્ષણિક સત્રનો વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવાસમાં ધંધો તો એરલાઈન્સે ગુમાવ્યો જ છે પણ નાતાલના વેકેશન માટે પણ વિદેશી પ્રવાસીઓ હાલ બુકિંગ કરી શકે તેમ નથી તેમાં પણ ગયા વર્ષ કરતા ૩૦ ટકા પ્રવાસીઓ મળે તેવો આશાવાદી અંદાજ મંડાઈ રહ્યો છે. અધુરામાં પુરૂં આ વાયરસ ફરી શિયાળામાં દેખા દઈ શકે છે. અને ચીનમાં નવા પ્રાંતમાં દર્દીઓ જોવા મળ્યા છે તેના લીધે પણ એરલાઈન્સનું ભાવી ક્રેશ થઈ ગયું છે. વિશ્વની જુદી જુદી એરલાઈન્સ ત્રણ મુખ્ય ગુ્રપ કે યુનિયનમાં જોડાયેલી છે. સ્ટાર એલાયન્સ,વનવર્લ્ડ અને સ્કાય ટીમ તેઓએ પ્રત્યેક દેશની સરકાર જ એરલાઈન્સને જીવાડી શકશે તેમ પત્ર લખીને ચેતવણી આપી દીધી છે.