કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ભારતને માથે વધુ એક ચિંતા

June 26, 2021

પોણા બે વર્ષથી સમસ્ત દુનિયામાં કેર વર્તાવી રહેલા કોરોના વાયરસના જુદા જુદા સ્વરૃપ સમયાંતરે દેખાયા છે. મેડિકલ એક્સપર્ટ્સ કોરોનાને મોસ્ટ કન્ફ્યુઝિંગ વાઇરસ કહે છે. એટલે કે, આ વાયરસ પર સતત નજર રાખીને તેને મારતા રહેવું પડે છે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર હવે માંડ માંડ થાળે પડી રહી છે. જો કે, આમ છતાં દેશને માથે હજી કોરોનાની ત્રીજી લહેરનું જોખમ મંડાયેલું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારત વિશે રજૂ કરેલા બે જુદા જુદા તારણોમાં એકમાં તો કોરોનાની બીજી લહેર મંદ પડ્યાની વાત કરી છે. પરંતુ બીજી બાજુ નવો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ખતરનાક સાબિત થઇ શકે તેવી ચીમકી પણ આપી છે. બીજી લહેરમાં વાયરસનું જોર ચરમસીમાએ હતુ ત્યારે ભારતમાં દરરોજ ચારથી સાડા ચાર લાખ કેસો નોંધાતા હતા. જે ધીમે ધીમે ઘટીને પચાસ હજારની અંદર આવી ગયા છે. ત્રીજી લહેર પહેલાં નિષ્ણાતોએ આપેલી સલાહ અનુસરવા જેવી છે. ભારતમાં લોકો અને પ્રદેશની સરકારો કોરોનાના કેસોનો આંકડો જોઇને સાવચેતી સાથે બાંધછોડના પગલા લઈ લે છે. પરંતુ કોરોનાનો જે નવો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ છે એ અત્યારે તો મહારાષ્ટ્ર, કેરળ અને મધ્ય પ્રદેશમાં જોવા મળ્યો છે. ગુજરાત એ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને અડીને આવેલું હોવાથી ખાસ ચિંતાનો વિષય બને છે. નવા વેરિઅન્ટનો ગુજરાતમાં ગમે તે ઘડીએ પ્રવેશ થઈ શકે છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ અગાઉના ડેલ્ટા વેરિઅન્ટના સ્પાઇક પ્રોટીનમાં મ્યૂટેશનથી બન્યો છે. બીજી લહેરમાં જે લોકો કોરોનાનો ભોગ બન્યા હતા, તેનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ જ હતો. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ વિશે હજુ મેડિકલ એક્સપર્ટ્સને પણ પૂરી જાણકારી નથી. તેઓ કહે છે કે, આ વેરિએન્ટ વિશે હજી અભ્યાસ ચાલુ જ છે. 
જો કે, ડેલ્ટા પ્લસ અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી પ્રસરતો હોવાની આશંકા છે. આ વેરિઅન્ટ કેટલો જીવલેણ છે એ સ્ટડી પછી જ ખબર પડશે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ભારત ઉપરાંત બીજા નવ દેશ અમેરિકા, બ્રિટન, સ્વિટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ, જાપાન, પોલેન્ડ, નેપાળ, ચીન અને રશિયામાં પણ જોવા મળ્યો છે. આ બધા દેશ નવા વેરિઅન્ટ સામે સતર્ક થઇ ગયા છે. હવે  નિષ્ણાતોએ જે ઉપાયો સુચવ્યા છે તે પ્રમાણે જ્યાં પણ આ નવો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ જોવા મળે એ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન ડિકલેર કરીને મૂવમેન્ટ બંધ કરી દેવી જોઈએ. હવે સૌથી મહત્વની વાત તો એ છે કે આ વેરીએન્ટના ખાસ કોઈ લક્ષણો નથી. એટલે દર્દીને કે આરોગ્ય ખાતાને નવા વેરિઅન્ટની ખબર પડે અને તમે એનો રસ્તો બંધ કરો એ પહેલાં તો એનુ સંક્રમણ ક્યાં સુધી થઈ ગયું હોય છે. આ જોખમના કારણે તેની ઓળખ ઝડપી કરવી પડશે. આમ તો અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના માત્ર ૪૦ કેસો જ મળ્યા છે. પરંતુ આ ૪૦માંથી ચાર હજાર કે ચાલીસ હજાર કેસ થઇ જતા વાર લાગે તેમ નથી. આથી કોરોનાના આ વેરિઅન્ટની ઓળખ કરવા માટે દેશમાં ૨૮ લેબોરેટરીનું એક કંસોર્ટિયમ બનાવવામાં આવ્યું છે. આ લેબોરેટરીમાં ૪૫ હજાર સેમ્પલની જીનોમ સિક્વેસિંગ કરવામાં આવી હતી. ડેલ્ટા વેરિઅન્ટની ઓળખ પણ આ રીતે જ થઇ હતી. કોરોનાને રોકવા માટે અત્યારે વેક્સિનેશન જ ઉત્તમ ઉપાય છે. યોગ દિવસથી ભારતમાં વોક ઈન વેક્સિનેશન મહાઅભિયાન શરુ થઈ ગયું છે. પહેલા જ દિવસે એટલે કે સોમવારે ૮૬.૧૬ લાખ ડોઝ વેક્સિન આપીને ભારતે નવો કીર્તિમાન સ્થાપ્યો છે. જોકે બીજા દિવસથી જ વેક્સિનેશનના કામમાં ઘટાડો નોંધાયો છે. સરકારે વેક્સિનેશનના કામમાં ઝડપ બરકરાર રાખવી પડશે. હવે કોરોનાની વેક્સિન અસર ન કરે એવો કોઇ વેરિઅન્ટ આવશે તો? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. 
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ સામે આવ્યા બાદ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કેરળને કેન્દ્ર સરકારે પત્ર લખ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ડેલ્ટા વેરિયન્ટ અત્યારે 80 દેશોમાં છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ 9 દેશોમાં જોવા મળ્યો છે. અમેરિકા, બ્રિટન, પોર્ટુગલ, સ્વિત્ઝર્લેન્ડ, ચીન, નેપાળ, રશિયા અને જાપાનમાં પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળ્યું છે. આ વેરિઅન્ટ કદાચ બહુ જીવલેણ નહીં હોય. એ બહુ ઝડપથી ફેલાતો હોવાની શંકા હોવાથી કદાચ દેશમાં ત્રીજી લહેરનું કારણ બની શકે છે. 
વર્તમાન સમયે દેશમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં રત્નાગિરિમાં સૌથી વધુ ૯ કેસ છે. ત્યારબાદ જલગાંવમાં ૭, મુંબઇમાં ૨ અને પાલઘર, થાણે અને સિંધુદુર્ગમાં એક-એક કેસ નોંધાયા છે. કેરળમાં પલક્કડ અને પઠાણમિથિતમાં કુલ ત્રણ કેસ સામે આવ્યા છે. એઈમ્સના ડૉક્ટર શુભદીપ કર્માકરે જણાવ્યું હતું કે, ડેલ્ટા પ્લસમાં વધારાનો દ્બ૪૧૭ગ્દ મ્યુટન્ટ છે, જે ડેલ્ટાને ડેલ્ટા પ્લસમાં ફેરવે છે. આ મ્યુટેન્ટ વધુ ચેપી છે. તે આલ્ફા સંસ્કરણ કરતા ૩૫-૬૦% વધુ ચેપી છે, તેવી અટકળો ચાલતી હોવાનું તેમનું કહેવું છે. જોકે, ભારતમાં તેની સંખ્યા ઓછી છે. 
ભારતમાં આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે, દેશમાં રિકવરી રેટ 96 ટકા પહોંચી ચુક્યો છે. વી.કે. પોલે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં વેક્સિનેશનની ઝડપ સારી છે. જ્યારે કોરોના વારંવાર રૂપ બદલી રહ્યો છે, ત્યારે નવી લહેર જ્યારે આવશે ત્યારે વેક્સિન નહીં લાગી હોય તો આપણે તેની ઝપટમાં આવીશું. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે 63.68 ટકા વેક્સિનેશન ગ્રામીણ વિસ્તારો અને 36.32 ટકા શહેરી વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. આમ છતાં દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ખતરો વધ્યો છે. 4 રાજ્યોમાં કોરોનાનું નવું રૂપ પહોંચી ગયું છે. દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ભલે ઘટી છે અને વેક્સિનેશનની ગતિ તેજ થઈ છે, પરંતુ આ તમામની વચ્ચે પ્લસ ડેલ્ટા વેરીઅન્ટે ચિંતા વધારી છે. અત્યારે દેશના મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં આ કેસ મળ્યા છે. કોરોના વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે અને વારંવાર મ્યુટેંટ થઈ રહ્યો છે. કોરાનાનું ભારતમાં જે ડેલ્ટા વેરિયન્ટ મળ્યું હતુ, આ ડેલ્ટા પ્લસ એ વેરિયન્ટથી મ્યુટેંટ થઈને નીકળ્યો છે. ટેકનિકલ રીતે આને B.1.617.2.1 અથવા AY.1 નામ આપવામાં આવ્યું છે. આખા વિશ્વમાં હજી સુધી આ વેરિએન્ટના ૨૦૦ કેસ મળી આવ્યા છે, જોકે તેમાંથી 4૦ કેસ ભારતના છે. તેથી ભારતીય આરોગ્ય વિભાગ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર નજર રાખી રહ્યો છે. આ મામલે કેન્દ્રએ રાજ્યોને પગલાં લેવા પત્ર લખીને ચેતવણી આપી છે. હવે આ વેરીએન્ટ પર વેક્સિન અસર કરશે કે કેમ તેની તપાસ ICMR કરી રહ્યું છે.  ડેલ્ટા વેરિયન્ટ પહેલા ભારતમાં જે સ્થિતિ કોરોનાને કારણે સર્જાઈ હતી તે પણ અત્યંત ચિંતાજનક હતી. કોરોનાએ યુરોપના અનેક દેશોમાં તબાહી મચાવી છે. પરંતુ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ આ વર્ષે માર્ચમાં યુરોપમાં મળ્યો હતો, જે બાદમાં અન્ય દેશોમાં ફેલાયો છે. અત્યારે ICMR દ્વારા એ તપાસ કરવામાં આવી રહી છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પર વેક્સિન અસર કરશે કે નહીં કરે. આ માટે સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે અને ટેસ્ટિંગ ચાલી રહી છે.