કોરોના ઈફેક્ટ: મુંબઈમાં વર્ક ફ્રોમ હોમનો આદેશ, નાગપુરમાં 144 લાગુ

March 17, 2020

મુંબઈ : કોરોના સામે ઉકેલ મેળવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 128 કેસ સામે આવ્યા છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. અહીં 39 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. 

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતા રોકવા માટે મુંબઈ મહાનગર પાલિકાએ કમર કસી છે. BMCએ એડવાઈઝરી જાહેર કરીને લોકોને બિનજરૂરી ઘરેથી બહાર ન નીકળવા અને જાહેર સ્થળે ન જવાની સલાહ આપી છે. 

એડવાઈઝરીમાં પ્રાઈવેટ કંપનીઓને પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપવાનો આદેશ આપ્યો છે. BMCએ કહ્યુ કે ભારત સરકારે 50% કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. આ આદેશનું પાલન ન કરનારી કંપનીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી છે. આ સાથે જોડાયેલા દિશા નિર્દેશોનું પાલન ન કરનારા સામે કલમ 1897 હેઠળ 6 મહિનાની જેલની સજા પણ થઈ શકે છે. મુંબઈ પોલીસે પહેલા જ ગ્રૂપ ટુર પર રોક લગાવી દીધી છે. આ રોક કલમ 144 અંતર્ગત લગાવાઈ છે.