કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન મળી આવતાં બેલ્જિયમ જતાં સુરતના હીરા વેપારીઓએ ફ્લાઈટની ટિકિટ કેન્સલ કરાઈવી

November 28, 2021

સાઉથ આફ્રિકામાં દેખાયેલો કોરોનાનો ઓમિક્રોન વેરિયેન્ટના બેલ્જિયમમાં પણ કેસ નોંધાયા છે. જેને પગલે સુરતના15થી વધુ હીરાના વેપારીઓએ બેલ્જિયમની ટિકિટો કેન્સલ કરાવી દીધી છે. વેપારીઓનું કહેવું છે કે નવા વેરિયેન્ટના કેસના ભયે ટિકિટ કેન્સલ કરાવી છે. ઉલ્લેખનીય છે કે, સુરતના સંખ્યાબંધ હીરાના વેપારીઓ બેલ્જિયમમાં પણ ઓફિસ ધરાવે છે અને આફ્રિકામાં પણ વેપાર કરે છે. જો આ વેરિયેન્ટના કેસ વધશે તો હીરાના વેપારને પણ અસર થઈ શકે છે.

નવા વેરિયન્ટના કેસ દેખાતા ટિકિટ કેન્સલ કરી
આજની 27 નવેમ્બરની મારી બેલ્જિયમ જવા માટેની ટિકિટ હતી પરંતુ વાતાવરણમાં કેસ વધારે હોય તેવું લાગે છે તેથી જવાનું કેન્સલ કરી છે કોરોના પછી એક વખત જઈ આવ્યા બીજી વખત પરિવાર સાથે ફરવા જઈ આવ્યા અને અત્યારે ત્રીજી વખત જવાનું હતું પરંતુ કેન્સલ રાખ્યું છે વાતાવરણ સુધરશે પછી જઈશું. - લવજીભાઈ ગુજરાતી, હીરા વેપારી.

દર મહિને બેલ્જિયમ જઉં છું, આ વખતે કેન્સલ કરી
મારે ધંધાના કામે દર મહિને બેલ્જિયમ જવાનું હોય છે. મારી 29 નવેમ્બરની ટિકિટ હતી, પરંતુ જાણવા મળ્યું કે ત્યાં નવા કેસોમાં વધારો થતો જાય છે અને વાતાવરણ થોડુક ગંભિર હોવાના કારણે અત્યારે જવાનું રદ રાખ્યું છે એક મહિના પછી વાતાવરણ સારું હશે તો જઈશું. - પરેશભાઈ સીમડીયા, ધામેલ