કોરોનાઃ ગુજરાતીઓએ પીએફમાંથી ૨,૧૧૫ કરોડ ઉપાડી લીધા

September 15, 2020

અમદાવાદઃ કોરોના મહામારીમાં લોકડાઉનથી લઈને અનલોક સુધીના પાંચ જ મહિનાના અરસામાં ગુજરાતીઓએ પી.એફ.ની ૨,૧૧૫.૧૭ કરોડની રકમ ઉપાડી લીધી છે. ભયંકર મંદી, નોકરી ગુમાવવી, પગાર કાપના દોરમાં નાછુટકે ગુજરાતીઓ પોતાની બચતના નાણાં ઉપાડવા મજબૂર બન્યા છે. ગુજરાતમાંથી પીએફની રકમ ઉપાડવાના આ સત્તાવાર આંકડા સોમવારે લોકસભામાં શ્રામ અને રોજગાર મંત્રાલય દ્વારા અપાયા છે. પ્રોવિડન્ટ ફંડના સૌથી વધુ નાણાં ઉપાડવા મામલે ગુજરાત દેશમાં સાતમા નંબરે છે, સૌથી વધુ રકમ ઉપાડવા મામલે પહેલા નંબરે ૭,૮૩૭.૮૫ કરોડની રકમ સાથે મહારાષ્ટ્ર છે. દેશભરમાંથી પાંચ જ મહિનાના અરસામાં કુલ ૩૯,૪૦૨.૯૪ કરોડની બચતની રકમ કર્મચારીઓ દ્વારા ઉપાડવામાં આવી છે. લૉકડાઉનની મહામારીથી અનલોક-૪ સુધીના સમયમાં કર્મચારીઓની આર્થિક હાલત કફોડી બની છે, આ સંજોગોમાં પી.એફ.ના દાયરામાં આવતાં કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષાના ઉપાયની કોઈ યોજના સરકાર બનાવી રહી છે કે કેમ તેવો સવાલ કરાયો હતો, જોકે કેન્દ્ર સરકારે કર્મચારીઓની સામાજિક સુરક્ષાની બાબત વિચારણામાં ન હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે. કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે ૨૫ માર્ચ ૨૦૨૦થી ૩૧મી ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં ગુજરાતમાંથી ૨,૧૧૫.૧૭ કરોડની રકમ પી.એફ.માંથી ઉપાડવામાં આવી છે. આમાં દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ સામેલ છે. સૂત્રોનું માનીએ તો ગુજરાતમાં સવા આઠ લાખ કરતાં વધુ કર્મચારીઓએ પોતાની બચતના નાણાંનો ઉપાડ કર્યો છે. આર્થિક સ્થિતિ ડામાડોળ થતાં કર્મચારીઓને લોનના હપ્તા ભરવાથી માંડીને ઘરનું ગુજરાન ચલાવવામાં નાકે દમ આવી રહ્યો છે.