ભારતમાં કોરોના વકર્યો, 126 દિવસ બાદ 800થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 5000ને પાર

March 18, 2023

દેશમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. અલગ-અલગ રાજ્યમાં વધતા કોરોનાના કેસો ચિંતામાં વધારો કરી શકે છે. આજે 126 દિવસ પછી, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 800 થી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 841 નવા કેસ સાથે, સક્રિય કેસોની સંખ્યા હવે વધીને 5,389 થઈ ગઈ છે. 

આજે સાવર સુધીના અપડેટ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ દેશમાં કોરોના કેસ વધીને 4.46 કરોડ થઈ ગયા છે. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં કોરોનાથી એક-એકનું મોત થયું છે. કેરળમાંથી બે લોકોના મોતની માહિતી મળી છે. ડેટા દર્શાવે છે કે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે.

ભારતમાં એક મહિનામાં નવા કોરના કેસોની દૈનિક સરેરાશ છ ગણી વધી છે. એક મહિના પહેલા સરેરાશ દૈનિક નવા કેસ 112 હતા, જ્યારે હવે તે આંક 626 સુધી પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, રાષ્ટ્રીય COVID-19 રિકવરી રેટ 98.80 ટકા નોંધાયો છે.

કોરોના બાદ સાજા થનારા લોકોની સંખ્યા વધી

આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.41 કરોડ થઈ ગઈ છે અને મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોરોના રસીના 220.64 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્રએ છ રાજ્યોને પત્ર લખીને વાઈરલ ઈન્ફેક્શનમાં અચાનક થયેલા વધારાને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે બુધવારે મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકને પત્ર લખીને પરીક્ષણ, સારવાર, ટ્રેકિંગ અને રસીકરણ પર ભાર આપવા જણાવ્યું હતું.

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પણ આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો હતો, જે દર્શાવે છે કે કેટલાક રાજ્યોમાં કોવિડ પોઝિટિવ દરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. તેને ચિંતાજનક મુદ્દો ગણાવતા તેમણે કહ્યું હતું કે, તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.