અમેરિકામાં કોરોનાએ માથું ઊંચક્યું, સ્કૂલો ખૂલી ત્યાં એક સપ્તાહમાં જ 1.41 લાખ બાળકોને કોરોના થયો

November 25, 2021

કોરોનાના વધતા કેસે અમેરિકાની ચિંતા ફરી વધારી છે. છેલ્લા બે દિવસથી અમેરિકામાં એક લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. સ્કૂલો ખૂલતાં બાળકો કોરોનાનો ભોગ બની રહ્યાં છે. એમાંય અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના રિપોર્ટમાં એક ચોંકાવનાર વિગત સામે આવી છે. આ રિપોર્ટ મુજબ, તારીખ 11થી 18 નવેમ્બરના સપ્તાહમાં 1 લાખ 41 હજાર 905 બાળક સંક્રમિત થયાં છે.

આ રિપોર્ટ મુજબ, બાળકોમાં સંક્રમણની ગતિમાં બે સપ્તાહની તુલનામાં 32%નો વધારો જોવા મળ્યો છે. અત્યારસુધીમાં 68 લાખ બાળક કોરોનાની ચપેટમાં આવી ગયાં છે.

સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના જણાવ્યા મુજબ, ઓક્ટોબર મહિનામાં 5થી 11 વર્ષનાં 8300 બાળકોને સંક્રમણ પછી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, જેમાંથી 172 બાળક મોતને ભેટ્યાં હતાં.

CDCએ કહ્યું હતું કે મહામારીની તીવ્ર ગતિને કારણે 2300 સ્કૂલ બંધ કરી દેવાઈ છે, જેનાથી 12 લાખ બાળકના અભ્યાસ પર અસર પડી રહી છે. સ્કૂલો ખૂલતાંની સાથે જ સંક્રમણ બેકાબૂ થવા લાગ્યું છે, જે ચિંતાજનક છે.