કોરોના વેક્સિનની અછત નથી, કોંગ્રેસ વિપક્ષો જુઠ્ઠાણું ફેલાવે છે : પીએમ મોદી

July 21, 2021

નવી દિલ્હી: કોરોના તેમજ વેક્સિનની અછત મુદ્દે વિપક્ષો દ્વારા જુઠ્ઠાણું ફેલાવવામાં આવે છે તેવા આક્ષેપો કરીને પીએમ મોદીએ વિરોધપક્ષોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ભાજપ સંસદીય પાર્ટીની બેઠકને સંબોધતા મોદીએ ભાજપનાં સાંસદો તેમજ કાર્યકરોને વિપક્ષોનાં જુઠ્ઠાણાનો સામનો કરવા અને લોકોને સાચી હકીકતથી માહિતગાર કરવા ફરમાન કર્યું હતું. સરકારની કોરોના સામે લડવાની કામગીરી તેમજ સરકારની નીતિની સાચી બાબતોથી લોકોને વાકેફ કરવા તેમણે પક્ષનાં નેતાઓ અને કાર્યકરોને અપીલ કરી હતી. વિપક્ષો દ્વારા કોરોના અને વેક્સિન મુદ્દે રાજકારણ રમવામાં આવે છે. કોરોના એ રાજકારણ રમવાનો વિષય નથી પણ માનવતાનો મુદ્દો છે તેમ તેમણે કહ્યું હતું. દેશમાં વેક્સિનની અછત નથી તમામ રાજ્યોને પૂરતા પ્રમાણમાં વેક્સિન પૂરી પાડવામાં આવી રહી છે. કોંગ્રેસ અને વિપક્ષો દ્વારા ખોટી માહિતી ફેલાવીને આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. મોદીએ સંસદમાં હંગામો મચાવીને સંસદની કાર્યવાહી ખોરવવાનાં વિપક્ષોનાં વલણને બેજવાબદારીભર્યું ગણાવ્યું હતું.  કોંગ્રેસ દ્વારા દેશમાં ઉપરા ઉપરી એક પછી એક રાજ્યમાંથી સત્તા ગુમાવ્યા છતાં તે હજી એમ માને છે કે દેશમાં સત્તા સંભાળવાનો અધિકાર તેને જ છે. કોંગ્રેસનું દેશમાંથી રાજકીય રીતે નામોનિશાન મટી ગયું છે આમ છતાં તે હજી તેનો વ્યાપ વિસ્તારી શકી નથી. તે ફક્ત અવરોધો સર્જવાની નીતિમાં માને છે તેને કોઈ મુદ્દે ચર્ચા કરવામાં રસ નથી.  કોંગ્રેસનું અસ્તિત્વ ફક્ત ૨ કે ૩ રાજ્ય સુધી સીમિત રહ્યું છે. તે દરેક રાજ્યમાં અસ્તિત્વ ગુમાવી ચૂકી છે આમ છતાં તેને અમારી ચિંતા છે. કોગ્રેસ કોમામાં આવી ગઈ છે તે ભાજપનાં વિકાસને પચાવી શકી નથી. દેશમાં વેક્સિનની અછત નથી તેવું સ્વીકારવા તે તૈયાર નથી.