ગુજરાતમાં કોરોના અંકુશ બહારઃ 25 દર્દીઓનાં મોત, 395 કેસો

May 20, 2020

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાએ જાણે અંડિગો જમાવ્યો છે.લોકડાઉન પાર્ટ-૪ના પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે ખાસ કરીને કોરોનાના એપી સેન્ટર સમાન અમદાવાદમાં તો કેસો અને મૃત્યુદરમાં ઝાઝો ફરક પડયો નથી.આજે પણ ગુજરાતમાં વધુ ૩૯૫ કેસો નોંધાયા હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૧૪૧ કેસો નોધાયાં છે. આ ઉપરાંત વધુ ૨૫ દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યાં છે જેના લીધે ગુજરાતનો મૃત્યુઆંક વધીને ૭૧૯ સુધી પહોંચ્યો છે. કોરોનાના વધતાં કેસોને જોતાં જ રાજ્ય સરકારે લોકડાઉન પાર્ટ-૪માં અમદાવાદ સહિતના શહેરોમાં કોઇ રાહત આપવામાં આવી નથી.

ગુજરાતમાં કોરોનાના કુલ કેસોનો આંકડો હવે ૧૨ હજારને પાર ચૂક્યો છે. છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં વધુ ૨૬૨ કેસો નોંધાયા હતાં. શહેરના નદી પારના વિસ્તાર કરતાં પૂર્વ વિસ્તારમાં કેસોનું પ્રમાણ વધુ રહ્યું છે.મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના દસેક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યાં છે કેમકે, આ વિસ્તારોમાં જ કેસોનું પ્રમાણ હજુય વધી રહ્યું છે.આ કારણોસર ૪૦ મોબાઇલ વાનના માધ્યમથી ડોર ટુ ડોર સર્વેલન્સ શરુ કરવામાં આવ્યું છે.અમદાવાદમાં અત્યાર સુધીમાં ૮૯૪૫ કેસો નોંધાયા છે.

અમદાવાદ ઉપરાંત સુરતમાં ૨૯,વડોદરામાં ૧૮,ગાંધીનગરમાં ૧૦,જામનગરમાં ૭,સાબરકાંઠામાં ૭,કચ્છમાં ૨૧,મહેસાણામાં ૫,સુરેન્દ્રનગરમાં ૫,ખેડામાં ૪,પાટણમાં ૪,ભરુચમાં ૪,બનાસકાંઠામાં ૩,મહિસાગરમાં ૩,ગીર સોમનાથમાં ૩,જૂનાગઢમાં ૩,ભાવનગરમાં ૨,રાજકોટમાં ૨,અરવલ્લીમાં ૧,છોટા ઉદેપુરમાં ૧ અને તાપીમાં ૧ એમ કુલ મળીને ૩૯૫ કેસો નોંધાયા હતાં.લોકડાઉન પાર્ટ-૪ના પ્રથમ દિવસે આખાય રાજ્યમાં કુલ ૨૧ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યુ હતું. હવે જયારે રાજ્ય સરકારે લોકડાઉનમાં રાહત આપી છે ત્યારે કોરોનાના કેસોમાં ચિંતાજનકહદે વધારો થઇ રહ્યો છે.અત્યારે માત્ર નવસારી,ડાંગ અને મોરબી જિલ્લો જ કોરોનામુક્ત રહ્યો છે. રાજ્યમાં હાલમાં ૬ જિલ્લા જ એવાં છેકે,જયાં ૧૦થી ઓછા કેસો છે.બાકીના જિલ્લામાં કેસો ડબલ ફિગરમાં છે.

ગુજરાતમાં હજુય દર્દીઓનો મૃત્યુદર ઓછો થઇ શકયો નથી.રોજ સરેરાશ ૧૫-૨૦ દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટી રહ્યાં છે.આજે પણ ૨૫ દર્દીઓએ કોરાનાના કારણે હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા હતાં.માત્ર કોરોનાના લીધે ૯ દર્દીઓના મૃત્યુ થયા હતાં પણ ૧૬ દર્દીઓ તો કોર્મોબિડીટી અને અન્ય હાઇરિસ્ક બિમારી સહિત કોરોનાના લીધે મોતને ભેટયા હતાં.

અમદાવાદમાં આજે પણ ૨૧ દર્દીઓના મોત થયા હતાં જેમાં ૧૨ પુરુષો અને ૯ મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.અમદાવાદમાં મહિલાની સરખામણીમાં પુરુષો દર્દીઓના વધુ મોત નિપજ્યાં છે.હજુય અમદાવાદ સિવિલમાં દર્દીઓના મોતનો સિલસીલો જારી રહયો છે.અમદાવાદ ઉપરાંત સુરતમાં ૧,અરવલ્લીમાં ૧ અને ગાંધીનગરમાં ૧ દર્દીનુ મોત થયુ હતું.હજુય ૪૯ દર્દીઓ વેન્ટિલેટર પર છે.જયારે ૬૩૩૦ દર્દીઓની તબિયત સ્થિર છે.

રાજ્યમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૨૩૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.કેન્દ્રની નવી ગાઇડલાઇન બાદ ગુજરાતમાં દર્દીઓની રિકવરી રેટ વધ્યો છે.આજે અમદાવાદમાં સૌથી વધુ ૧૮૨ લોકોને રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત અરવલ્લી, બાનસકાંઠા, બોટાદ, ગાંધીનગર, જામનગર, મહેસાણા, મોરબી, સુરત, પંચમહાલ, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરામાંથી દર્દીઓને રજા અપાઇ હતી.અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૫૦૪૩ લોકો કોરોના સામેનો જંગ જિત્યાં છે.

આરોગ્ય વિભાગનુ કહેવુ છેકે,ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧,૫૪,૬૭૪ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.જોકે,કોરોનાના કેસો વધતાં ગુજરાતમાં અત્યારે કુલ ૪,૫૮,૮૭૨ લોકો સરકારી-હોમ કવોરન્ટાઇનમાં છે.વિપક્ષ કોંગ્રેસે કોરોનાના ટેસ્ટના મુદ્દે હોબાળો મચાવ્યો છે.આ જોતાં હવે કોરોનાને લઇને ભાજપ-કોંગ્રેસ પણ આમને સામને આવ્યું છે.