કોરોના વકર્યો : છત્તીસગઢના રાયપુરમાં ૯થી ૧૯ એપ્રિલ સંપૂર્ણ લૉકડાઉન થશે

April 08, 2021

નવી દિલ્હી: કોરોનાના વધી રહેલા સંક્રમણને પગલે છત્તીસગઢની રાજધાની રાયપુર શહેર અને જિલ્લામાં ૯ એપ્રિલથી ૧૯ એપ્રિલ સુધી ૧૦ દિવસનું સંપૂર્ણ લૉકડાઉન લાદી દેવાયું છે. રાજ્યના આરોગ્યમંત્રી ટીએસ સિંહ દેવે જણાવ્યું હતું કે, જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સંપૂર્ણ લૉકડાઉન લાદી દેવાશે. આ સમયગાળામાં જિલ્લાની તમામ સરહદો સીલ રહેશે. બીજી તરફ પંજાબમાં ૩૦ એપ્રિલ સુધી રાતના ૯થી સવારના પાંચ કલાક સુધી કરફયૂ લંબાવી દેવાયો છે. તે ઉપરાંત રાજકીય રેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લદાયો છે.  બેંગલોરમાં બુધવારથી સ્વિમિંગ પૂલ, જિમ, પાર્ટી હોલ અને એપાર્ટમેન્ટ બિલ્ડિંગોમાં આવેલી આ પ્રકારની સુવિધાઓ બંધ કરી દેવાના આદેશ અપાયા છે. શહેરની હદથી બહાર આવેલા જિમમાં ૫૦ ટકા ક્ષમતા સાથે ઓપરેટ કરવાની પરવાનગી અપાઇ છે. બેંગલોર ભારતમાં કોરોના સંક્રમિત ટોપ ટેન જિલ્લામાં સામેલ છે. આ પહેલાં શહેરમાં રેલીઓ, જાહેર સભાઓ પર પ્રતિબંધ લદાયો હતો.  મહારાષ્ટ્રમાં ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યા બાદ હવે શિક્ષણ બોર્ડે ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓેને પણ પરીક્ષા વિના જ ઉપલા ધોરણમાં ચડાવી દેવાનો નિર્ણય કર્યો છે.