કોરોના : ક્લિનિકલ ટ્રાયલમાં રશિયાની વેક્સિન 100% સફળ થઈ

August 05, 2020

મોસ્કો : રશિયાએ કહ્યું છે કે તેની કોરોના વાયરસ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી છે. આ વેક્સિનને રશિયન રક્ષા મંત્રાલય અને ગમલેયા નેશનલ સેન્ટર ફોર રિસર્ચે તૈયાર કરી છે. રશિયાએ કહ્યું છે કે ક્લિનિકલ ટ્રાયલમાં જે લોકોને આ કોરોના વેક્સિન આપવામાં આવી તે તમામમાં SARS-CoV-2 વિરુદ્ધ રોગપ્રતિકારક ક્ષમતા જોવા મળી. આ ટ્રાયલ 42 દિવસ પહેલા શરૂ થયો હતો. તે સમયે વૉલિયન્ટર્સને મોસ્કોનાં બુરદેંકો સૈન્ય હૉસ્પિટલમાં કોરોના વેક્સિન લગાવવામાં આવી હતી.

આ લોકો સોમવારના ફરીવાર હૉસ્પિટલ આવ્યા અને તેમની સઘન તપાસ કરવામાં આવી. આ દરમિયાન જોવા મળ્યું કે તમામ લોકોમાં કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક ક્ષમતા પેદા થઈ છે. આ તપાસ પરિણામ બાદ સરકારે રશિયન વેક્સિનની પ્રશંસા કરી છે. રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે, “સમીક્ષાનાં પરિણામોથી એ સ્પષ્ટ રીતે સામે આવ્યું છે કે વેક્સિન લાગવાના કારણે લોકોની અંદર મજબૂત રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત થઈ છે.”

રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે કોઈપણ વોલિયન્ટરની અંદર કોઈ પણ નકારાત્મક સાઇડ ઇફેક્ટ અથવા મુશ્કેલી જોવા નથી મળી. આ લેબ હવે મોટા પ્રમાણમાં લોકોમાં ઉપયોગથી પહેલા સરકારની પરવાનગી લેવા જઇ રહી છે. રશિયાએ દાવો કર્યો છે કે તે કોરોના વાયરસની વિરુદ્ધ ચાલી રહેલી વૈશ્વિક લડાઈમાં કોવિડ-19 વેક્સિન વિકસિત કરવામા બીજાઓથી અનેક મહિનાઓ આગળ ચાલી રહ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે ક્લિનિકલ ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ હવે રશિયા વેક્સનની પ્રભાવી ક્ષમતાને પારખવા માટે ત્રણ મોટા પરીક્ષણ કરવા જઇ રહ્યું છે. રશિયાનો ઇરાદો છે કે આ વર્ષે સપ્ટેમ્બર સુધી કોરોના વેક્સિનને વિકસિત કરી લેવામાં આવે. સાથે જ ઑક્ટોબર મહિનાથી દેશભરમાં રસીકરણ શરૂ કરી દેવામાં આવે.