જાપાન પહોંચ્યો કોરોનાનો નવો સ્ટ્રેનઃ બ્રાઝિલથી આવેલા 4 સંક્રમિત

January 12, 2021

વોશિંગ્ટનઃ બ્રિટન અને દક્ષિણ આફ્રિકા પછી હવે જાપાનમાં પણ કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન સામે આવ્યો છે. આ સ્ટ્રેન બ્રાઝિલથી જાપાન પહોંચ્યો હોવાનું માનવામાં આવે છે. જાપાન સરકારના જણાવ્યા અનુસાર આ સ્ટ્રેન બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં મળેલાં સ્ટ્રેનથી અલગ છે અને તે ચાર લોકોમાં મળ્યો છે, જેમાં એક ૪૦ વર્ષનો પુરુષ, ૩૦ વર્ષની મહિલા અને બે કિશોરો છે. આ અગાઉ જાપાનમાં બ્રિટન અને દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેનના લગભગ ૩૦ કેસ નોંધાઈ ચુક્યા છે. આ દરમિયાન વિશ્વમાં કોરોના વાઇરસના ૯.૦૭ કરોડ કેસ નોંધાઈ ચુક્યા છે. બીજી તરફ અમેરિકામાં ૨૪ કલાક દરમિયાન અમેરિકામાં કુલ ૨,૦૮,૩૩૮ નવા કેસ નોંધાયા હતાં અને ૧૭૭૭ દર્દીનાં મોત થયા હતાં. બ્રિટનમાં ૨૪ કલાક દરમિયાન ૫૪,૯૪૦ નવા કેસ નોંધાયા હતાં જ્યારે ૫૬૩નાં મોત થયા હતાં.
રશિયા અમને મેક્સિકોમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનથી સંક્રમિતો મળી આવ્યા છે. આ બ્રિટિશ વેરિયન્ટ છે. નોંધનીય છે કે આ સ્ટ્રેનના દર્દીઓ ભારત સહિત ૪૦ દેશોમાં મળી આવ્યા છે. મેક્સિકોના તમૌલિપાસ રાજ્યના હેલ્થ ર્સ્ક્રેટરીએ વિદેશથી આવેલા વ્યક્તિમાં નવો સ્ટ્રેન મલી આવ્યો હોવાનું સત્તાવાર સમર્થન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વ્યક્તિ સાથે સફર કરનારા યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે. દરમિયાન રશિયાએ પણ નવા બ્રિટિશ સ્ટ્રેનના પ્રથમ દર્દી મળ્યો હોવાની જાહેરાત કરી છે. આ વ્યક્તિ બ્રિટનતી પરત આવ્યો હતો. પાછલા ૨૪ કલાકમાં રશિયામાં ૨૨૮૫૧ નવા કેસ નોંધાયા હતાં.