શાળાઓ ખૂલતા કોરોનાની રીએન્ટ્રીઃ 3 રાજ્યોમાં 100થી વધુ બાળકો પોઝિટિવ

November 24, 2021

દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થવાની સાથે અનેક રાજ્યોમાં સરકારે શાળાઓ ફરીથી શરૂ કરી છે. સરકારના આ પગલાથી કોરોનાએ એકવાર ફરી ટેન્શન વધારવાનું શરૂ કર્યું છે. દેશની અનેક શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. કોરોના મહામારીના કારણે દેશમાં લાંબા સમયથી શાળાઓ બંધ છે અને હવે ફરીથી ખૂલી રહી છે. રાજ્યોની શાળાઓમાં ઓનલાઈન સ્ટડીનો ઓપ્શન પણ છે. મહામારીની વચ્ચે શાળાઓ ફરીથી ખોલવાના કારણે સ્ટુડન્ટના પોઝિટિવ આવવાની સંખ્યા સતત વધી રહી છે. ઓરિસ્સા, રાજસ્થાન જેવા રાજ્યોની શાળામાં અનેક કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પછી કોરોના મહામારીને લઈને ચિંતા વધી છે. હાલમાં રાજસ્થાનના જયપુરની જયશ્રી પેડીવાલના 11 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એક જ શાળાના અનેક બાળકો પોઝિટિવ આવતા ચિંતા વધી છે. તાત્કાલિક ધોરણે આ શાળાને બંધ કરાવી દેવાઈ છે. બાળકોના પોઝિટિવ આવ્યા બાદ તેની જાણકારી તંત્રને પણ કરાઈ હતી અને શાળા બંધ કરાઈ હતી.
તેલંગાણાના ખમ્મમ જિલ્લાની સરકારી રેસિડેન્શ્યિલ શાળામાં રવિવારે 28 બાળકીઓ કોરોના પોઝિટિવ આવતાં કોરોના સંક્રમણ સામે આવ્યું છે, વાયરસ ફેલાવવાની જાણકારી મળતાં જ વિદ્યાર્થીઓના માતાપિતા વિદ્યાલય પહોંચ્યા અને સાથે જ તેમને ઘરે મોકલવાની અપીલ પણ કરી હતી. સ્વાસ્થ્ય વિભાગના શિક્ષકો સહતિ કર્મચારીઓને પણ કોરોના ટેસ્ટ કરાવવા કહેવાયું છે. રેસિડેન્શિયલ શાળામાં 575 વિદ્યાર્થી છે. ઓરિસ્સાના સુંદરગઢ જિલ્લામાં સરકારી હાઈસ્કૂલની 53 બાળકીઓને કોરોના પોઝિટિવ આવ્યો તો બુર્લામાં 22 એમબીબીએસના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમની સ્વાસ્થ્ય સ્થિતિ સામાન્ય છે અને સારવાર ચાલી રહી છે. અહીં એક અઠવાડિયા માટે શાળાઓ બંધ કરાઈ છે. કેટલાકને હોસ્પિટલમાં પણ એડમિટ કરવામાં આવ્યા છે. શક્યતા છે કે વાર્ષિક સમારોહમાં કોરોના ફેલાયો હોઈ શકે છે.