ભ્રષ્ટાચારઃ મમતાના વધુ એક મંત્રી EDની ઝપટે
July 30, 2022

- શિક્ષણખાતાના ભરતી કૌભાંડમાં પાર્થ ચેટરજીનું નામ નીકળતા મમતાએ મોઢું ફેરવી લીધું
- 11 વર્ષથી ટીએમસી સરકારમાં મહત્વના ખાતા સંભાળતા મંત્રી ચેટરજીની પ્રેમીકાના ઘરેથી ઈડીને કરોડો રોકડા, 650 તોલા સોનુ, 54 લાખની વિદેશી ચલણી નોટો તથા 3 ફ્લેટના દસ્તાવેજો મળી આવ્યા
ચેટરજી છેક ૨૦૦૧થી બંગાલ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. ચેટરજી મમતા સરકારમાં મોટું માથું ગણાય અને મમતાના ખાસમ ખાસ માણસો પૈકી એક છે. બંગાળના રાજકારણમાં પણ ચેટરજીની ગણના ધુરંધર તરીકે થાય છે. મમતા સરકારમાં હાયર એજ્યુકેશન, ઈન્ફર્મેશન ટેકનોલોજી, ઈન્ડસ્ટ્રી, કોમર્સ જેવાં મલાઈદાર ખાતાંના મંત્રીપદે તેઓ રહી ચૂક્યા હોવાથી ચેટરજીની ધરપકડની ઘટના મોટી છે.
સીબીઆઈ સહિતની કેન્દ્રીય એજન્સીઓનો દાવો છે કે, એસએસસીના માધ્યમથી શિક્ષકોની નિમણૂક માટે કરોડો રૂપિયાની લેવડદેવડ કરાઈ હતી. આ કૌભાંડ થયું ત્યારે પાર્થ ચેટરજી શિક્ષણમંત્રી હતા, તેથી તેમણે જ મોટાભાગની મલાઈ ખાધી હોવાનું મનાય છે. આ પ્રકરણમાં ચેટરજીના અર્પિતા મુખરજી અને મોનાલિસા દાસ સાથેના સંબધો તથા લેવિશ લાઈફસ્ટાઈલની ચર્ચા પણ ઉમેરાય છે. વાસ્તવમાં અર્પિતા મુખરજીના ઘરે ઈડીની રેડ પડી તેમાં જ ચેટરજી ભેરવાઈ ગયા. સાઉથ કોલકાત્તાના એકદમ પોશ મનાતા ડાયમંડ સિટીમાં અર્પિતાના ૨૦૦૦ સ્ક્વેર ફીટના ફ્લેટમાં દરોડા દરમિયાન જે કંઈ મળ્યું એ જોઈને ઈડીના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા. આ સમયે અર્પિતાના ઘરમાંથી 50 કરોડ રૂપિયા રોકડા, 650 તોલા સોનું, ૫૪ લાખ રૂપિયાની વિદેશી ચલણની નોટો, પોશ વિસ્તારમાં આવેલા ૩ ફ્લેટના દસ્તાવેજ મળી આવ્યા.
બંગાળમાં ચેટરજીની છાપ રંગીલા માણસ તરીકેની છે. અર્પિતા સાથેના તેમના સંબધો તો ઘણાં સમયથી ચર્ચામાં રહ્યા છે. મધ્યમ વર્ગમાંથી આવતી અર્પિતાના પિતા સરકારી નોકરી કરતા. અર્પિતા ગ્રેજ્યુએટ થઈ પછી તરત તેના પિતાનું નિધન થતા તેને સરકારી નોકરીની ઓફર થઈ. પરંતુ અર્પિતા અત્યંત મહત્વાકાંક્ષી હોવાથી તેણે સરકારી નોકરીની ઓફર ઠુકરાવી દીધી. જે બાદ તેણીએ મોડેલિંગ શરૂ કર્યું. કિન્તુ મોડેલિંગમાં તેને બહુ સફળતા ન મળી, જો કે, તેના કારણે તે કોલકાત્તામાં હાઈ પ્રોફાઈલ લોકોમાં જાણીતી થઈ ગઈ.
પાર્ટીઓની શોખીન અર્પિતા કામ કઢાવવા ગમે તે કરવા તૈયાર થઈ જતી, તેથી તેના ઉંચા કોન્ટેક્ટ્સ બનવા માંડયા. આવી જ પાર્ટીઓ દરમિયાન ઝારગ્રામના બિઝનેસમેન સાથે તેનો પરિચય થયો. અર્પિતાના રૂપથી અંજાયેલા બિઝનેસમેને તેની સાથે લગ્ન પણ કર્યાં પણ લગ્ન બહુ ના ટકતાં અર્પિતા કોલકાત્તા પાછી આવી ગઈ અને ફિલ્મ-મોડેલિંગ માટે ફરી મથામણ શરૂ કરી. આ વાત ૨૦૦૦ના શરૂઆતનાં વરસોની છે. આ દરમિયાન અર્પિતા ચેટરજીને મળી. ચેટરજી નાકતલા ઉદયન સંઘના માધ્યમથી બંગાળમાં સૌથી ભવ્ય દુર્ગા પૂજા કરતા અને પાણીની જેમ પૈસો વહાવતા. અર્પિતાના રૂપથી અંજાયેલા ચેટરજીએ તેને દુર્ગા પૂજા કમિટીની મોડલ બનાવી દીધી. આખા કોલકાત્તામાં અર્પિતાનાં મોટાં મોટાં હાર્ડિંગ્સ લગાવી દીધાં અને તે દુર્ગા પૂજાનો ચહેરો બની. અર્પિતા આ બધું જોઈને ચેટરજીની નાણાંની તાકાતથી પ્રભાવિત થઈ હતી તેથી બંને વચ્ચે સંબંધ બંધાયા કે જે હજુ લગી ટક્યા છે.
અર્પિતા-ચેટરજી પહેલાં ખાનગીમાં મળતાં. રંગીન મિજાજ ચેટરજી નિયમિત રીતે બેંગકોક જતા હોવાનું કહેવાય છે. એ વખતે અર્પિતાને સાથે લઈ જતા. છેલ્લાં ૧૧ વરસથી મમતા સરકારમાં ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર હોવાના કારણે ઈન્વેસ્ટર્સ સમિટના નામે ચેટરજી છાસવારે વિદેશ ઉપડી જતા. એ વખતે અર્પિતા પણ તેમની સાથે જ જતી એ વાતની બધાંને ખબર હતી. અર્પિતા-ચેટરજીની આ ખાનગી મુલાકાતો વિશે પહેલાં પણ ઘૂસપૂસ થતી પણ બંને કોઈની પરવા કરતાં ન હતા.
૨૦૧૭માં ચેટરજીનાં પત્નીનું કાર્ડિયાક એરેસ્ટના કારણે મોત થયું પછી તો બંનેને કોઈની શરમ ના રહી. ચેટરજીએ અર્પિતાને ડાયમંડ સિટિમાં લક્ઝુરીયસ ફ્લેટ લઈ આપ્યો છે. ચેટરજી અર્પિતાને મળવા ખુલ્લેઆમ ડાયમંડ સિટી જતા અને મોડી રાત સુધી રોકાતા. ચેટરજી અને અર્પિતાની તસવીરો બહાર આવી છે તેમાં પણ બંને પતિ-પત્ની હોય એ રીતે જ ઉભાં છે. એકસરખા કલરનાં ટ્રેડિશનલ બંગાળી કપડાંમાં અર્પિતા-ચેટરજીએ કોઈ પણ પ્રકારની શરમ વિના ફેમિલી આલ્બમ માટે પોઝ આપતા હોય એ રીતે ફોટા પડાવ્યા છે.
ઈડીને પાર્થ ચેટરજીના ઘરેથી એક ડાયરી મળી આવી હતી, જેમાં અર્પિતા મુખરજીના ઘરેથી મળી આવેલા કાળાં નાણાંનો હિસાબ રાખવામાં આવ્યો હતો. ઇડી દ્વારા પાર્થ ચેટરજીની અને અર્પિતા મુખરજીની ધરપકડ કરવામાં આવી છે. શિક્ષક ભરતી કૌભાંડમાં સંડોવાયેલા પાર્થ ચેટરજી અગાઉ ૩,૦૦૦ કરોડ રૂપિયાના આઈ-કોર ચીટ ફંડ કૌભાંડમાં પણ સંડોવાયેલા હતા. પાર્થ ચેટરજી ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે તેમણે કુલ ૧.૧૫ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. પાર્થ બેનરજી ૨૦૧૧ માં ચૂંટણી લડ્યા ત્યારે તેમણે ૭.૮ લાખ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. આ મિલકત ૨૦૧૬ માં વધીને ૮૦ લાખ પર અને ૨૦૨૧ માં ૧.૧૫ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. દસ વર્ષના ગાળામાં જ તેમની સત્તાવાર સંપત્તિમાં પંદર ગણા જેટલો ચમત્કારિક વધારો થયો છે. અર્પિતા-ચેટરજીની સ્ટોરી આખા દેશમાં ગાજી રહી છે ત્યારે ચેટરજીની ધરપકડ થયા પછી મમતા બેનરજીએ પોતાનો રાગ બદલી કાઢ્યો છે. અગાઉ તેઓ કેન્દ્ર સરકાર પર આક્ષેપો કરતા હતા કે તે વિરોધ પક્ષના નેતાઓને હેરાન કરવા માટે સેન્ટ્રલ એજન્સીઓનો દુરુપયોગ કરે છે. પાર્થ ચેટરજીની ધરપકડ પછી તેમણે તેમનો બચાવ કરવાનો જરાય પ્રયાસ નથી કર્યો, પણ જાહેરમાં કહ્યું છે કે, જો તેમણે ભ્રષ્ટાચાર કર્યો હોય તો તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. અા સાથે મમતાઅે ગુરુવારે ચેટરજીને મંત્રીપદમાંથી હટાવી દીધા હતા.
Related Articles
લાઈકા: અવકાશ મિશને ગયેલું સૌ પ્રથમ પ્રાણી શ્વાન
લાઈકા: અવકાશ મિશને ગયેલું સૌ પ્રથમ પ્રાણ...
May 01, 2023
સોનાલીની હત્યાઃ કારણોના વમળમાં ઘૂંટાતુ રહસ્ય
સોનાલીની હત્યાઃ કારણોના વમળમાં ઘૂંટાતુ ર...
Sep 03, 2022
ઝવાહિરીનો ખાત્મો : નાઈન ઈલેવનના મૃતકોનું તર્પણ
ઝવાહિરીનો ખાત્મો : નાઈન ઈલેવનના મૃતકોનું...
Aug 06, 2022
લફરાંમાં પાવરધા સુષ્મિતા-લલિતની વધુ એક કહાની
લફરાંમાં પાવરધા સુષ્મિતા-લલિતની વધુ એક ક...
Jul 25, 2022
Trending NEWS

તમારાથી નિષ્પક્ષતાની આશા, બદલો લેવા કાર્યવાહી ન કર...
04 October, 2023

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફસાયા આતંકી, ઠાર મારવા સ...
04 October, 2023

લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ-તેજશ્વી, રાબડી દેવી સહિત...
04 October, 2023

ઇટાલીમાં દુઃખદ અકસ્માત: બસ પુલ પરથી પડતાં આગ લાગી,...
04 October, 2023

કેનેડાના 41 રાજદ્વારીઓને 10મી સુધીમાં ભારત છોડવા અ...
04 October, 2023

WHOની સીરમ - ઓક્સફર્ડની મેલેરિયા વિરોધી રસીને મંજૂ...
04 October, 2023

રૂ.2,000ની-નોટો પાછી ખેંચાતાં 10-વર્ષમાં પહેલી વખત...
04 October, 2023

મધ્યપ્રદેશ: સતનામાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, એકનુ...
04 October, 2023

સિક્કિમમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું, 23 સૈનિકો ગુમ
04 October, 2023

દિલ્હી-NCRમાં ભૂકંપ, 4.6ની તીવ્રતા:નેપાળમાં કેન્દ્...
03 October, 2023