ઓન્ટેરિયોમાં કોવિડની છઠ્ઠી લહેરના સંકેત

May 07, 2022

  • નવા 31 દર્દીના મોત: સુધરી રહેલી પરિસ્થિતિ વચ્ચે પણ સાવચેતી રાખવી જરુરી
ઓન્ટેરિયો : ઓન્ટેરિયોમાં કોવિડ-19 સાયન્સ એડવાઈઝરી ટેબલનાં ડીરેક્ટર ડો. પીટર જુનીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ થવાનાં બનાવો અને ઈનફેક્શનો ફેલાવાનાં આંકડાઓ વેસ્ટ વોટરમાં દર્શાવવામાં આવ્યા હતા, તે મુજબ બંનેમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. મને લાગે છે કે આપણે સાચે માર્ગે છીએ અને જો આપણે આ રીતે આપણું કામ ચાલુ રાખીશું તો આગામી થોડા સમયમાં પરિસ્થિતિ સામાન્ય બની જશે. 
પરંતુ પીટર જુનીએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, હજુ પણ કોવિડ માથું ઉંચકી શકે છે. સાવધાનૂપૂર્વક વર્તન કરવું એ હજુ પણ જરૂરી છે. આપણે જાહેર સ્થળો પર માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર જાળવવા જેવા પગલાંઓ તરફ આંખ આડા કાન કરવાનાં નથી. મોતનાં જે નવા 31 કેસ નોંધાયા છે, તે કદાચ કોવિડ-19ની છઠ્ઠી લહેર પણ હોઈ શકે. શહેરમાં હાલમાં અંદાજે 80થી 90 હજાર લોકોમાં રોજ વાઈરસ ફેલાઈ રહ્યો છે, એમ વેસ્ટ વોટરનો ડેટા જણાવે છે. આ દરમિયાન બુધવારે દવાખાનાં દાખલ કરવાનાં કેસોમાં સહેજ ઘટાડો થયો હતો. એક દિવસ અગાઉ મંગળવારે કોવીડથી અસરગ્રસ્ત 1699 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 199 દર્દીઓને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જેની સંખ્યા મંગળવારે 202 હતી અને 94 લોકોને શ્વાસમાં તકલીફ પડતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.