સી.આર પાટીલે ધારાસભ્યોના ક્લાસ લીધા, AAP અને કોંગ્રેસ જ્યાં મજબૂત છે ત્યાં હોમવર્ક શરૂ

January 23, 2023

અમદાવાદ : સુરેન્દ્રનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કારોબારીની બેઠક મળવાની છે તે પહેલાં પાટીલે ગુજરાત વિધાનસભા 2023ની ચૂંટણીમાં ઓછી લીડથી જીતેલા 55 ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકને ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે કેટલીક જગ્યા પર જીત થઇ હતી તેને લઇને અને કેટલીક જગ્યા પર ફરિયાદો આવી હતી તેને લઇને આ તમામના કોમ્બીનેશનને લઇને પણ આ 55 ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ત્રીજા  પક્ષની એન્ટ્રીએ કોંગ્રેસનો ખેલ બગાડયો છે. પાટીલે જે બેઠકો પર કોંગ્રેસ અને આપના કુલ મતો ભાજપ કરતાં વધુ હોય તેવી બેઠકો પર ફોકસ કર્યું છે. જો આ બેઠકો અંગે વિચાર ન કરાય તો ભાજપ માટે લોકસભાની ચૂંટણીમાં કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. આ એવી બેઠકો છે, જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વોટબેંક ભાજપ કરતા વધુ છે. પાટીલે આ 55 બેઠકો પર 2022 જેવી સ્થિતિ સર્જાઈ તેવી 2024માં ન થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

ભાજપ પ્રમુખ પાટીલનું ફોકસ હાલ આ 55 બેઠકો છે. તેમણે આ 55 બેઠકોના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે બેઠક કરી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પાતળી સરસાઈથી અહી જીત હાંસિલ કરી હતી. જો આ બેઠકો મજબૂત નહિ કરાય તો લોકસભાની ચૂંટણીમાં તેની અસર પડી શકે છે. તેથી ભાજપે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૌથી પહેલુ કામ આ 55 બેઠકોને મજબૂત કરવાનુ હાથ ધરાયું છે.ગુજરાતની 26 લોકસભા બેઠક પર જીત માટે પણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવશે. 26માંથી 26 બેઠક મળે તે માટે રણનીતિ ઘડવામાં આવશે.