ક્રિકેટર મોહંમદ સિરાજના પિતાનું અવસાન

November 21, 2020

નવીદિલ્હીઃ ટીમ ઈન્ડિયા સાથે ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા મોહમ્મદ સિરાજના પિતાનું નિધન થયું છે. સિરાજના પિતા મોહમ્મદ ગાઉસ માત્ર 53 વર્ષના હતા, તેઓ ફેફસાના રોગથી પીડિત હતા. સિરાજના પિતાએ હૈદરાબાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સ્પોર્ટ્સ સ્ટારમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ મોહમ્મદ સિરાજને આ સમાચાર ત્યારે મળ્યા જ્યારે તે પ્રેક્ટિસથી હોટલ પરત ફરી રહ્યો હતો. સિરાજ હાલમાં 15 દિવસના ક્વોરન્ટાઇનમાં ઑસ્ટ્રેલિયા છે અને આ કારણે તે તેના પિતાના અંતિમ સંસ્કારમાં જઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ સિરાજના પિતા એક ઓટો ડ્રાઇવર હતા, પરંતુ તેમ છતાં તેમણે તેમના પુત્રને કંઈપણ કમી પડવા દીધી નહીં. પિતાના અવસાન પછી ગમગીન સિરાજે કહ્યું કે, તે તેમનું સપનું પૂર્ણ કરશે. તેના પિતાનું સપનું હતું કે સિરાજ ટીમ ઈન્ડિયાની સેવા કરે.
સિરાજે કહ્યું, “મારા પિતાનું હંમેશાં સપનું હતું કે હું દેશનું નામ રોશન કરું અને હું ચોક્કસ કરીશ. મેં મારા જીવનના સૌથી મોટા સમર્થકને ગુમાવી દીધા છે, આ ખૂબ જ દુ:ખદ ક્ષણ છે. મને દેશ માટે રમતા જોવું તેમનું સપનું હતું. હું ખુશ છું કે હું તેમને સમજી શક્યો અને તેમને ખુશ કરી શક્યો.”