માંગરોળમાં મસ્જીદમાં નમાજ અદા કરવા આવેલા ૧૦ શખ્સ સામે ગુન્હો

April 01, 2020

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લામાં હાલ લોકડાઉનના પગલે ઘરની બહાર નીકળવા પર અને મોટી સંખ્યામાં એકત્ર થવા પર પ્રતિબંધ હોવા છતાં ગઈકાલે એક જ દિવસમાં વધુ ૯૦ શખ્સો સામે પોલીસે અલગ અલગ પોલીસ મથકમાં ૫૭ જેટલી કાર્યવાહી કરી છે. જેમાં સૌથી વધુ માંગરોળમાં જુના પોરબંદર વિસ્તારમાં આવેલી મસ્જીદમાં મગરીબની નમાજ અદા કરવા આવેલા ૧૦ શખ્સો એકત્ર થયા હતા, તેમની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે, કેશોદમાં જૂની શાક માર્કેટ પાસે માયા લખમણ ગરચર નામના શખ્સને તેની ગણેશ પાનની દુકાન ખુલી રાખવા અંગે અને અશોક પરશોતમ કારીયા નામના શખ્સને સંતકૃપા એન્ટરપ્રાઈઝ નામની દુકાન ખુલી રાખવા અંગે તેમજ જૂનાગઢ શહેરમાં જલારામ સોસાયટીમાં કરીયાણાની દુકાન ખુલી રાખનાર પંકજ રાજુ વાઘવાણી નામના વેપારી સામે પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.
આ સિવાય શહેરના દાતારરોડ, જોશીપરા, ઝાંઝરડા રોડ, સરદારબાગ, બસ સ્ટેન્ડ પાસે, આંબાવાડી, ટીંબાવાડી, અને જિલ્લામાં વંથલી, માણાવદર, બાંટવા, માંગરોળ અને માળિયા પંથકમાં જાહેરનામાંનો ભંગ કરનાર અલગ અલગ વિસ્તારોમાંથી મળી આવેલા ૯૦ શખ્સો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.