યસ બેન્કનાં થાપણદારો પર સંકટ, RBIએ બેંક પર લગાવ્યા નિયંત્રણ

March 05, 2020

નવી દિલ્હી :  જો તમે યસ બેંકના ગ્રાહકો છો તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. હકીકતમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકના ગ્રાહકો માટે 50 હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે.

આ મર્યાદા 5 માર્ચ, 2020થી 3 એપ્રિલ, 2020 સુધી લાગુ રહેશે. તે ઉપરાંત એસબીઆઈના પૂર્વ સીએફઓ પ્રશાંત કુમારને યસ બેંકના એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કરવામાં આવ્યા છે.

આર્થિક સંકટનો સામનો કરી રહેલી પ્રાઇવેટ સેક્ટરની યસ બેન્ક પર ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઇ)એ અનેક પ્રકારના નિયંત્રણો લગાવ્યા છે. આરબીઆઇના આ પ્રતિબંધ બાદ કોઇ પણ ખાતાધારક પોતાના એકાઉન્ટમાંથી 50 હજાર રૂપિયાથી વધુ રૂપિયા ઉપાડી શકશે નહીં. રિઝર્વ બેન્કે સરકાર સાથે ચર્ચા કર્યા બાદ બેન્કના નિર્દેશક મંડળની ક્ષમતાને લઇને આ નિર્ણય લીધો છે.

આરબીઆઇનો આ નિર્ણય બેન્કની ખરાબ આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સાથે એસબીઆઇના ભૂતપૂર્વ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર પ્રશાંત કુમારની યસ બેન્કના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક કરી છે.

જાણકારી અનુસાર, કોઇ પણ ખાતાધારક કોઇ સેવિંગ, કરન્ટ અને કોઇ અન્ય સેવિંગ એકાઉન્ટમાં 50 હજાર રૂપિયાથી વધુ રકમ ઉપાડી શકશે નહીં.

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઇ વ્યક્તિ પાસે યસ બેન્કમાં એકથી વધારે એકાઉન્ટ હોય તો તમામ એકાઉન્ટને મળીને તે કુલ 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. યસ બેન્કનું  દેવું વધી ગયું છે જેના કારણે તેની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ છે.

નોંધનીય છે કે સૂત્રોએ જાણકારી આપી હતી કે યસ બેન્કને એસબીઆઇ અને અન્ય આર્થિક સંસ્થાઓ સાથે મળીને તેને આ હાલતમાંથી બહાર કાઢી શકે છે.

આરબીઆઈની આ કાર્યવાહી બેંકની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યસ બેંક ગત કેટલાક સમયથી ફંડ મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે.આ પહેલા ગુરુવારે અહેવાલ આવ્યા હતા કે, સરકારે દેશની સૌથી મોટી સરકારી બેંક SBIને યસ બેંકમાં ભાગીદારી ખરીદવા કહ્યું છે.