ક્રૂડના ભાવ ઘટયાં છે, સરકાર પેટ્રોલનો ભાવ રૂ. 60થી ઓછો કરે : રાહુલ

March 12, 2020

નવી દિલ્હી : ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને 30 ડોલરની આસપાસ થઇ ગયા છે ત્યારે સરકારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં ધરખમ ઘટાડો કરવો જોઇએ અને આ ત્રણેયના ભાવ વર્ષ 2004ના સ્તરે લઇ જવા જોઇએ તેમ કોંગ્રેસે માગ કરી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ  પેટ્રોલના ભાવ 60 રૂપિયાથી નીચે લઇ જવાની માગ કરી છે. કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માગ કરી છે.

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વિટર પર વડાપ્રધાન મોદીને સંબોધીને જણાવ્યું છે કે તમે કોંગ્રેસની ચૂંટાયેલી સરકારને પાડવામાં એટલા વ્યસ્ત છો કે તમે એ જોવાનું ભૂલી ગયા કે વૈશ્વિક ઓઇલના ભાવમાં 35 ટકાનો ઘટાડો થયો છે. 

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે મોદી-શાહે પેટ્રોલ અને ડીઝલના ભાવ તાત્કાલિક ઘટાડી ક્રૂડના ઘટેલા ભાવનો લાભ પ્રજાને આપવો જોઇએ. 

સૂરજેવાલાએ જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલના ભાવ છેલ્લા 15 વર્ષની નીચલી સપાટીએ આવી ગયા છે. હાલમાં ક્રૂડ ઓઇલનો ભાવ 35 થી 38 ડોલર થઇ ગયો છે. ક્રૂડનો આ ભાવ વર્ષ 2004માં હતો. 

તેમણે જણાવ્યું હતું કે 2004માં ક્રૂડનો ભાવ 35થી 38 ડોલર હતો  ત્યારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરનો ભાવ અનુક્રમે 37.84 રૂપિયા, 26.28 રૂપિયા અને 281.60 રૂપિયા હતો. આજે જ્યારે ક્રૂડ ફરીથી 2004ના ભાવે આવી ગયો છે તો પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવ પણ વર્ષ 2004માં હતાં તેટલા થઇ જવા જોઇએ.