વોશિંગ્ટન સહિત અમેરિકાના 40 શહેરમાં કર્ફ્યુ; વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શન

June 01, 2020

વોશિંગ્ટન. અમેરિકામાં અશ્વેત જોર્જ ફ્લોયડના મોતનો ભારે વિરોધ થઈ રહ્યો છે. રાજધાની વોશિંગ્ટન ડીસી સહિત 40 શહેરમાં કર્ફ્યુ લગાવાયો છે. રવિવાર રાતે પણ પ્રદર્શનકારીઓએ વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શન કર્યું હતું. સુરક્ષાદળોએ ટીયરગેસ છોડવો પડ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ શુક્રવારે વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને થોડીવાર માટે અંડર ગ્રાઉન્ડ બંકરમાં લઈ જવા પડ્યા હતા.

ન્યૂઝ ચેનલ CNN મુજબ વોશિંગ્ટન સહિત 15 શહેરમાં લગભગ 5 હજાર નેશનલ ગાર્ડ્સ તહેનાત કરાયા છે. જરૂર મુજબ બે હજાર ગાર્ડ્સને સ્ટેન્ડ ટૂ રહેવા કરહેવાયું છે. 

ન્યૂયોર્ક ટાઈમ્સે એક વ્યક્તિના હવાલાથી રિપોર્ટ છાપ્યો છે કે શુક્રવારે વ્હાઈટ હાઉસ સામે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ભેગા થયા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પને એક કલાકથી ઓછા સમય માટે અંડર ગ્રાઉન્ડ બંકરમાં લઈ જવાયા હતા. પ્રદર્શનકારીઓને હટાવવા માટે સીક્રેટ સર્વિસ અને યુનાઈટેડ સ્ટેટ્સ પાર્ક પોલીસે ભારે જહેમત કરવી પડી હતી.

અખબાર મુજબ ટ્રમ્પની ટીમ વ્હાઈટ હાઉસ બહાર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ભેગા થતા હેરાન હતા. જોકે એ સ્પષ્ટ થયું નથી કે મેલાનિયા અને બૈરન ટ્રમ્પને બંકરમાં લઈ જવાયા હતા કે નહીં.