કર્ફ્યૂનો ભંગ કરનારને પોલીસકર્મીઓએ ફટકારી એવી સજા કે ગણતરીના કલાકોમાં મોતને ભેટ્યો

April 07, 2021

કોરોના વાયરસની મહામારીને નાથવા દુનિયાના અનેક દેશોમાં લોકડાઉન કે કરફ્યુનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. ફિલિપાઈન્સમાં એક વ્યક્તિનો કોરોના કર્ફ્યૂ તોડવા બદલ પોલીસકર્મીઓએ 100 ઉઠક બેઠક કરવાની સજા ફટકારી. આટલી સજા બાદ પણ વ્યક્તિ હસતો હોવાથી પોલીસે તેને વધારે 200 એમ કુલ 300 ઉઠક-બેઠક કરાવી હતી.

આ વ્યક્તિ ઘરે પહોંચતા જ તેની તબિયત કથળી હતી. ગણતરીના કલાકમાં જ તેનું મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસકર્મીઓ પર ચારેકોરથી માછલા ધોવાઈ રહ્યાં છે.

ફિલિપાઈન્સમાં કોરોનાના વધતા કેસ જોતા કડક કર્ફ્યૂ લાગુ કરાયો છે. ડેરેન પેનારેડોન્દો (28) નામના વ્યક્તિએ મજબૂરીવસ ઘરમાંથી બહાર નીકળવું પડ્યું હતું. તેના ઘરમાં પાણી ખતમ થઈ ગયું હતું. પરંતુ તે સ્થાનિક પોલીસને હાથે ઝડપાયો હતો. પોલીસકર્મીઓએ તેને ઉઠક બેઠક કરવાની સજા ફટકારી હતી. પોલીસે પહેલા તો ડેરેનને 100 ઉઠક બેઠકની સજા ફટકારી હતી. આટલી સજા બાદ પણ ડેરેન હસતો જ હતો. જેથી અકળાયેલા પોલીસકર્મીઓએ તેને પાઠ ભણાવવા વધારે 300 બેઠકો કરાવી હતી. એકસાથે જ 300 ઉઠક-બેઠક કરીને ઘરે પહોંચતા જ ડેરેનની તબિયત કથળી હતી. ત્યાર બાદ માત્ર ગણતરીના કલાકોમાં જ ડેરેને દમ તોડી દીધો હતો. આ ઘટના 1 એપ્રિલની છે.

ફિલિપાઈન્સ પોલીસના આ વર્તનની આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ ટીકા થઈ રહી છે. આ સમગ્ર મામલે ઉચ્ચાધિકારીઓએ સ્થાનિક પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની વાત કરી છે. ફિલિપાઈન્સની કુલ વસ્તી 107 મિલિયન છે. અહીંની રાજધાની મનીલાના જ મેટ્રોપોલિટલ રીજનમાં દરરોજ 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારબાદ સરકારે મજબૂરીમાં આકરો કર્ફ્યૂ લાદવો પડ્યો છે. જો કે સરકારની ટીકા એટલા માટે થઈ રહી છે કારણ કે દેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા કથળી છે.