એમ્ફાન મૃત્યુઆંક 80 થયો, પશ્ચિમ બંગાળને 1 હજાર કરોડની કેન્દ્રની સહાય

May 22, 2020

કોલકાત્તા : એમ્ફાન વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે અને અત્યાર સુધીમાં ૮૦થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે એક હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. એલ્ફાન વાવાઝોડાની સૌથી વધુ માઠી અસર પશ્ચિમ બંગાળમાં થઇ હતી જેને પગલે આ સહાયની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે.  

આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને રાજ્યપાલ જગદીપ ધનકર દ્વારા પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાની અસર થઇ તેનો એરિયલ વ્યૂ સરવે હાથ ધર્યો હતો. જે બાદ એક બેઠક પણ બોલાવવામાં આવી હતી જેમાં બધા મુદ્દાઓને લઇને ચર્ચા થઇ હતી, મમતા બેનરજીએ માગણી કરી હતી કે એલ્ફાનને એક રાષ્ટ્રીય આપદા જાહેર કરવામાં આવે, કેન્દ્રએ તેને ધ્યાનમાં રાખીને જ આ આર્થિક સહાય નિયમ પ્રમાણે કરી હતી. 

બીજી તરફ મમતાએ કહ્યંુ હતું કે વડા પ્રધાને એક હજાર કરોડના ઇમર્જન્સી ફંડની જાહેરાત કરી છે. આ પેકેજની જાણકારી મારી પાસે નથી. મે તો મોદીને કહ્યું હતું કે અમે આ વાવાઝોડાથી થયેલા નુકસાનની બધી જ વિગતો તેને આપીશું અને તેમાં થોડો સમય લાગશે. જે નુકસાન થયુ છે તે કેન્દ્ર સરકારે આપેલી રકમ કરતા અનેકગણુ વધારે છે.

સરકારે માત્ર એક હજાર કરોડની સહાય આપી છે ને નુકસાન એક લાખ કરોડ કરતા પણ વધુનુ થયું છે તેથી કેન્દ્રની આ સહાય નુકસાનની સામે કઇ જ નથી. આ વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળમાં અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે, લાખો વૃક્ષો ધરાશાયી થયા છે અને ૮૦થી વધુ લોકો માર્યા ગયા છે. આ સ્થિતિમાંથી બહાર આવવામાં હજુ એક સપ્તાહથી વધુનો સમય લાગે તેવી શક્યતાઓ છે.

કેન્દ્ર સરકારે જે સહાયની જાહેરાત કરી છે તેમાં ઓડિશા માટે પણ ૫૦૦ કરોડ રૂપિયા આપવાનું કહ્યું છે. કેમ કે આ વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળ પછી સૌથી વધુ ઓડિશામાં જોવા મળી છે. મોદીએ જે બે રાજ્યોમાં વાવાઝોડાની અસર થઇ છે તેની મુલાકાત લીધી હતી.