ચક્રવાત ફ્રેડીએ દક્ષિણ-પૂર્વ આફ્રિકાના મલાવીમાં ભારે તારાજી સર્જી, 300થી વધુના મોત

March 18, 2023

ઉષ્ણકટિબંધીય ચક્રવાત ફ્રેડીએ દક્ષિણ-પૂર્વ આફ્રિકાના મલાવીમાં ભારે તારાજી સર્જી છે. મલાવીમાં આ ચક્રવાતને કારણે 300 કરતા વધારે લોકોનાં મોત થયા છે. મલાવીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ બાબતના વિભાગે જણાવ્યું હતું કે, આ ચક્રવાતને કારણે હજુ સુધીમાં 326 લોકોનાં જીવ ગયા છે.

તોફાનને કારણે વેરાયેલા વિનાશમાં બચી ગયેલા લોકો પણ પ્રભાવિત થયા છે અને તેઓ હાલ પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે. અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે, તોફાનથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તારો પૈકીના એક ચિલોબ્વોમાં 30થી વધારે લોકોનાં મોત થયા છે અને સંખ્યાબંધ લોકો હજુ પણ લાપતા છે. લાપતા લોકોને શોધવા માટે અને રાહત તેમજ બચાવ કામગીરી ચાલુ છે.

સોમવારે લાપતા લોકોને શોધવા માટે લોકોને કાટમાળ પર પાવડો ચલાવતા દેખાયા હતા. એટલે સુધી કે લોકો હાથ વડે કાટમાળને હટાવી રહ્યા હતા. તોફાન પીડિતોના જણાવ્યા પ્રમાણે તેઓ એક વિમાનના અવાજ જેવો ગગનભેદી અવાજ સાંભળીને જાગી ગયા હતા. તે વખતે લગભગ 12 વાગ્યા હતા અને અમે લોકોના બરાડવાના અવાજ સાંભળ્યા હતા.

તે બાદ ખડકો અને વૃક્ષો સાથે કીચડ ભરેલા પાણીનો એક પ્રવાહ પહાડથી નીચે તરફ વહેલા વાગ્યો હતો. અને તેમાં લોકોની સંપત્તિ તણાઈ ગઈ હતી. તોફાનમાં લોકોનું સર્વસ્વ બરબાદ થઈ ગયું છે.બીજી તરફ હવામાન વિભાગ રિપોર્ટમાં કહ્યું છે કે, ભારે પૂર અને નુકસાનકારક પવનનો ખતરો જળવાયેલો છે.