સતત 12મા દિવસે ડામ : શ્રીગંગાનગરમાં પેટ્રોલ રૂ. 101, મુંબઇમાં રૂ. 97ને પાર

February 21, 2021

સરકારી ઓઇલ વિતરણ કંપનીઓએ શનિવારે સતત ૧૨મા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અનુક્રમે રેકોર્ડ ૩૯ પૈસા અને ૩૭ પૈસાનો વધારો ઝીંકી દેતાં મુંબઇમાં પેટ્રોલની કિંમત રૂપિયા ૯૭ અને ડીઝલની કિંમત રૂપિયા ૮૮ની ઓલટાઇમ હાઇ સપાટી વટાવી ગઈ હતી. દેશની રાજકીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ રૂ. ૯૦.૫૮ અને ડીઝલ રૂપિયા ૮૦.૯૭ની સપાટીએ રહ્યાં હતાં.

ગુજરાતના અમદાવાદમાં પેટ્રોલના ભાવ ૩૮ પૈસા વધીને રૂ.૮૭.૭૪ પ્રતિ લીટર  પહોંચ્યા છે, જ્યારે ડીઝલના ભાવ ૪૦ પૈસા વધીને રૂ.૮૭.૨૦ પ્રતિ   લિટર પહોંચ્યા છે. દેશના સંખ્યાબંધ શહેરોમાં પેટ્રોલની કિંમત રૂપિયા ૧૦૦ને પાર કરી ગઈ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સાદા પેટ્રોલની કિમત રૂ. ૧૦૧.૨૨ અને મધ્યપ્રદેશના અનુપનગરમાં સાદા પેટ્રોલની કિંમત રૂ. ૧૦૧ પ્રતિ લિટર પર પહોંચી છે. ડિરેગ્યુલેશન બાદ પેટ્રોલ અને ડીઝલમાં આ રેકોર્ડ વધારો છે. બંને ભાવ રોજ ઓલટાઈમ હાઈ થાય છે. રોજ ભાવમાં નવા રેકોર્ડ બને છે.