આગથી ઓન્ટેરિયોમાં જંગલમાં નુકસાન, મૂળ નિવાસીઓને ઉત્તર-પશ્ચિમ તરફ ખસેડાયા

November 15, 2021

  • અગાઉ 1995માં જંગલી આગમાં 80000 હેક્ટર જમીનમાં ઉભેલી વન્ય સંપદા સળગી ગઈ હતી
ઓન્ટેરિયો: જંગલોમાં લાગેલી આગને પરિણામે ઓન્ટેરિયોના મૂળ નિવાસીઓને ઉત્તર-પશ્ચિમમાં ખસેડવાની ફરજ પડી છે. 2021ના આ ઉનાળામાં આગને કારણે જમીનને થયેલા નુકસાને નવો ઇતિહાસ સર્જ્યો છે અને 26 વર્ષ પહેલા થયેલા નુકસાનના આંકડા વટાવી દીધા છે. ઓન્ટેરિયોના એવિએશન, ફોરેસ્ટ, ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસીસ તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ જંગલમાં લાગેલી ભયકંર આગને પરિણામે 2021માં 3000થી વધુ લોકોને કામચલાઉ રીતે અન્ય સ્થળોએ ખસેડવા પડ્યા હતા. ખાસ કરીને આ સીઝનમાં મૂળ વતનીઓને રાજ્યના ઉતર-પશ્ચિમ વિસ્તારમાં ખસેડવામાં આવ્યા હતા. ઓન્ટેરિયોના જંગલમાં આગ લાગવાને કારણે 7,93,000 હેકટરથી વધુ જમીનને નુકસાન થયું હતું. જે એક આખા ગ્રેટર ટોરોન્ટો વિસ્તારને સમકક્ષ થવા જાય છે અને આ અગાઉ 1995માં જંગલી આગમાં 80000 હેક્ટર જમીનમાં ઉભેલી વન્ય સંપદા સળગી ગઈ હતી. 2021ની શરૂઆતમાં લાગેલી આગમાં 13000 હેક્ટર જમીન બળી ગઈ હતી એમ ઓક્ટોબર મહિનામાં એ.એફ.એફ.એ.એસ. તરફથી જણાવવામાં આવ્યું હતું.
છેલ્લા એક દાયકામાં આ રાજ્યના જંગલમાં લાગેલી બે આગમાં જમીનને નોંધપાત્ર નુકસાન થયું હતું. કેનોરા-51 નામની આગમાં 2,00,000 હેક્ટર જમીનમાં નુકસાન થયું હતું અને ત્યારપછી જંગલી આગમાં જમીનને નુકસાન થવાનું પ્રમાણ વધતું જ રહ્યું છે.  રાજ્યના ફાયર ઈન્ફોર્મેશન  ઓફિસર ક્રિસ મર્ચન્ટે કહ્યું હતું કે, આ વિસ્તારના પશ્ચિમ વિભાગમાં મેનિટોબાની સરહદ પર નજીક-નજીકમાં જ હવામાન મથકો સ્થાપવામાં આવ્યા છે અને આ મથકો દ્વારા આપવામાં આવેલા આંકડાઓ મુજબ મેં, જૂન અને જુલાઈ મહિનામાં 270 અને 300 મી.મી. વરસાદ પડ્યો હતો. પરંતુ 2021ના આ ત્રણ મહિનાઓમાં હવામાન મથકો દ્વારા જણાવ્યા મુજબ મેનિટોબા ખાતે અપેક્ષા કરતા અડધો વરસાદ પડ્યો છે. કેટલીક જગ્યાએ તો 100 મી.મી. કરતા પણ ઓછો વરસાદ પડ્યો છે તેના પરિણામે દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જંગલમાં આગ લાગવાના બનાવો વધવાની સંભાવના પણ સર્જાઈ છે. ઓછામાં પૂરું ભારે પવનો ફુંકાતા જંગલમાં આગ ફેલાવવાની શક્યતા પણ લાગી રહી છે.