દશેરા ઈફેક્ટ : કાપડ બજાર ચાલુ હોવા છતાં કારીગરો રજાના મૂડમાં, માંડ 50 ટકા કામ થયું

October 16, 2021

દશેરાના દિવસે કામકાજ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હોવાથી કાપડ બજારમાં માર્કેટ આજે ખુલ્લી તો હતી. પરંતુ માંડ 50 ટકા કામકાજ થયું હતું. મોટાભાગના વેપારીઓએ દુકાનો ત્રણ-ચાર કલાક માટે ખોલી હતી. કારીગરો પણ આવ્યા નહીં હોવાને કારણે પાર્સલો તૈયાર કરવાનું કામકાજ થઈ શક્યું નહોતું. દશેરાએ વર્ષોથી અડધા દિવસ કામકાજ કરવાની પરંપરા કાપડ બજારનાં વેપારીઓની રહી છે. પરંતુ આ વખતે પ્રથમ વખત જ સંખ્યાબંધ વેપારીઓએ દુકાનો ખોલવાનું પસંદ કર્યું નહોતું. 

દશેરા પર્વની ઉજવણી પરિવારની સાથે ઘરમાં જ કરવાનું વધુ પસંદ કરાયું છે. સંખ્યાબંધ માર્કેટમાં અડધોઅડધ જેટલી દુકાનો બંધ રહી હતી. જે દુકાનો ચાલુ હતી તે દુકાનોમાંથી પેન્ડિંગ કામો, ખાસ કરીને તૈયાર પાર્સલોની રવાનગીનું કામ કરવામાં આવ્યું હતું. ડીલેવરી કામકાજ સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યુ કે, આગલે દિવસે માર્કેટોમાં એનાઉન્સમેન્ટ કરવામાં નહીં આવ્યું હોવાને, કારણે સંખ્યાબંધ વેપારીઓએ દુકાનો ખુલી નહોતી.

કટીંગ-પેકિંગ અને પાર્સલો બનાવવાની કામગીરીમાં મોટાભાગે બિહારી કારીગરોની સંકળાયેલાં છે અને આ કારીગરો આવ્યા નહીં હોવાથી, નવા પાર્સલો બનાવવાનું કામકાજ થઈ શક્યું નહોતું. આમતો, વર્ષોથી દશેરાના દિવસે કામકાજ થતું રહ્યું છે પરંતુ પહેલી જ વખત એવું બન્યું છે કે, અડધોઅડધ જેટલા વેપારીઓએ તેમની રજા રાખી છે.

કાપડ બજારમાં ચહલપહલ આજે ખૂબ જ ઓછી નજરે પડી હતી. રસ્તા ઉપર કોઈ ટ્રાફિક નહોતો જોકે વેપારીઓએ બપોરના બે ત્રણ વાગ્યાથી કામકાજ આટોપી લેવાનું શરૃ કરતાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં માર્કેટ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી ટ્રાન્સપોર્ટર્સે પણ સાંજના પાંચ છ વાગ્યા સુધી જ પાર્સલો લેવાનું નક્કી કર્યું હતું એમ સૂત્રોએ વાતચીતમાં કહ્યું હતું.