સીમંત પ્રસંગે આવેલાં ભાઈ-બહેન અને ભાણેજનાં અકસ્માતમાં મોત, ગઢડાના માંડવા - ઢસા વચ્ચે બનેલી ગમખ્વાર દુર્ઘટના

February 22, 2021

બોટાદ : ગઢડા(સ્વામિના) તાલુકાના ઢસા નજીક માંડવા - ઢસા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાતાં એકજ પરિવારના ૩ સદસ્યોના કરુણ મોત નીપજવાની ઘટનાથી ભારે કમકમાટી ફેલાવા પામેલ છે. આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર, રાજકોટમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા ચરણસિંહ ગોહિલનાં પત્ની અને પુત્રી બંને પોતાના પિયર મોસાળ પાલિતાણા તાલુકાના મોખડકા ગામે હતા. જેથી બહેન અને ભાણેજને મૂકવા માટે ભાઈ ધનંજયસિંહ ચૂડાસમા રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ધનંજયસિંહ રણજિતસિંહ ચૂડાસમા (ઉં.વ.21 ગામ મોખડકા), ચેતનાબેન ચરણસિંહ ગોહિલ (ઉં.વ.29) અને ગરિમા ચરણસિંહ ગોહિલ (ઉં.વ.5)નાં મોત નીપજ્યાં હતાં.

અકસ્માતની ઘટના બનતા અન્ય વાહન ચાલકો અને આસપાસથી લોકો દોડી આવેલ . અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફીક જામ સર્જાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફીક જામને હળવો કરી જરૂરી કાર્યવાહી કરી તમામ મૃતદેહને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડેલ જયાં ગઢડા મામલતદાર, ગઢડા પીએસઆઈ, અન્ય ડેપ્યુટી કલેકટરો, તેમજ રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.

બનાવની જાણ થતાં જ મૃતકોના પરિજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારજનોએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. તેમજ મોટી સંખ્યામાં રાજપુત સમાજના આગેવાનો ગઢડા હોસ્પિટલ પહોંચ્યા હતા.