એચ-૧બી વિઝા માટે સેલરી, સ્કિલને પ્રાધન્ય આપવા નિર્ણય

January 09, 2021

વોશિંગ્ટન : અમેરિકાએ ગુરુવારે એચ-૧બી વિઝા નિયમો માટેની પ્રક્રિયામાં બદલાવ કરવાની જાહેરાત કરી છે. નવી પ્રક્રિયા અંતર્ગત યુએસમાં કામકાજ માટેના પ્રચલિત એચ-૧બી  વિઝા ફાળવણી માટે હાલની લોટરી સિસ્ટમને બદલીને પગાર તેમજ કુશળતા (સેલેરી અને સ્કિલ)ને પ્રાધાન્ય અપાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ વિઝા માટેના અંતિમ નિયમ ૮ જાન્યુઆરીના ફેડરલ રજિસ્ટરમાં પ્રકટ થશે. વિઝા પ્રક્રિયામાં ફેરફારનો ઉદ્દેશ અમેરિકામાં શ્રમિકોના આર્થિક હિતોની સુરક્ષા કરવાનો છે. સાથે જ અસ્થાયી રોજગાર કાર્યક્રમથી ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓ પણ લાભ થાય તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે. એચ-૧બી વિઝા નોન-ઈમગ્રન્ટ વિઝા છે, જે અમેરિકાની કંપનીઓને વિદેશથી આવતા કર્મચારીઓને વિશેષ હોદ્દા પર નિમણૂક કરવા માટે મંજૂરી આપે છે. યુએસની આઈટી કંપનીઓ આ વિઝાના આધારે દર વર્ષે ભારત તેમજ ચીનથી હજારોની સંખ્યામાં કર્મચારીઓને રોજગારી પુરી પાડે છે. યુએસ સિટિઝન એન્ડ ઈમિગ્રેશન સર્વિસે જણાવ્યા મુજબ, એચ-૧બી વિઝા પસંદગી પ્રક્રિયામાં સંશોધનથી નોકરીદાતાઓને ઉચ્ચ વેતન તેમજ ઉચ્ચ પદ માટે જાહેરાત આપવામાં પ્રોત્હાસન મળશે. સાથે જ કંપનીઓને જરૂરિયાત મુજબ કર્મચારીઓને રાખવા તેમજ કંપનીને વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધી કાયમ રાખવાનો માર્ગ મોકળો થશે. ફેડરલ રજિસ્ટરમાં અંતિમ નિયમ પ્રકાશિત થયાના ૬૦ દિવસમાં તે અમલમાં આવશે. એચ-૧બી વિઝા કાર્યક્રમ માટે આગામી ૧લી એપ્રિલથી અરજી કરી શકાશે. યુએસસીઆઈએસના ડેપ્યુટી ડાયરેક્ટર ફોર પોલિસી જોસેફ એડલોએ જણાવ્યું કે, એચ-૧બી  વિઝા કાર્યક્રમનો નોકરીદાતાઓ દુરૂપયોગ કરી રહ્યા છે. તેમનો ખર્ચ ઘટાડવા અને પ્રાથમિક સ્તરના પદે નિમણૂ કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.