નેતાજીની જયંતિના દિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરો : મમતા બેનર્જી

November 19, 2020

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિના દિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરવાની માંગ કરી છે. સાથે જ મમતા બેનર્જીએ માંગ કરી છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે શું થયું તેની તપાસ કરવામાં આવે અને તેના માટે વડાપ્રધાન નિર્ણાયક પગલા લે અને આ મામલાને સાર્વજનિક બનાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વડાપ્રધાન મોદીએ સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલા દસ્તાવેજ સાર્વજનિક કર્યા હતા. ઉપરાંત નેતાજીના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. મમતા બેનર્જાએ પત્રમાં કહ્યું કે, તમને સારી રીતે ખબર છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતિ 23 મે 2022ના રોજ ઉજવવામાં આવશે. બંગાળના મહાનત્મ સપૂત નેતાજી દેશના હીરો, રાષ્ટ્રીય નેતા અને બ્રિટીશ રાજ સામે સ્વતંત્રતા સંગ્રામનો ચહેરો હતા. તેઓ અનેક પેઢીઓ માટે આદર્શ છે. તેમના નેતૃત્વમાં ઇન્ડિયન નેશનલ આર્મીના હજારો વીર જવાનોએ માતૃભૂમિ માટે ઉચ્ચત્તમ બલિદાન આપ્યું હતું. તેમણે આગળ લખ્યું કે દર વર્ષે આખા દેશમાં નેતાજીનો જન્મ દિવસ મહાન ગરિમા અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. તમે યાદ કરો કે કેટલા લાંબા સમયથી અમે કેન્દ્ર સરકાર પાસે નેતાજીના જન્મ દિવસને રાષ્ટ્રીય રજા ઘોષિત કરવાની માંગ કરી રહ્યા છીએ. જો કે હજુ સુધી આ અંગે કોઇ નિર્ણય તેમણે લીધો નથી.