નેપાળને હરાવી ભારતની સેમીફાઈનલમાં એન્ટ્રી, પાકિસ્તાનની પણ ખોલી કિસ્મત

July 24, 2024

મહિલાઓની એશિયા કપ-2024 T20 મેચમાં આજે ભારતે નેપાળને 82 રને પરાજય આપીને સેમીફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનની પણ કિસ્મત ખોલી દીધી છે. ભારતીય ટીમે ગ્રૂપ સ્ટેજની છેલ્લી મેચ આજે નેપાળ સામે રમી હતી. ખાસ વાત એ છે કે, ટીમ ઈન્ડિયાની આજની જીતે પાકિસ્તાનને પણ મોટો ફાયદો કરાવ્યો છે. વાસ્તવમાં ભારતની સાથે પાકિસ્તાને પણ સેમીફાઈનલમાં જગ્યા ફાઈનલ કરી લીધી છે. ભારતીય મહિલા ટીમે આજની મેચમાં નેપાળને 82 રને પરાજય આપ્યો છે. ભારતીય ટીમે નિર્ધારીત 20 ઓવરમાં ત્રણ વિકેટે 178 રન નોંધાવ્યા હતા, જેની સામે નેપાળની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 96 રન બનાવી શકી છે. આના મુકાબલામાં ઓપનિંગમાં આવેલી શેફાલી વર્માએ દમદાર બેટીંગ કરી હતી. તેણે 48 બોલમાં 12 ફોર અને એક સિક્સ સાથે 81 રન નોંધાવ્યા હતા. જ્યારે ડી.હેમલથાએ 47 રન, જેમિમાહ રોડ્રિગ્ઝે અણનમ 28 રન નોંધાવ્યા છે. બોલિંગમાં દિપ્તી શર્માએ ત્રણ, એ.રેડ્ડી અને રાધા યાદવે બે-બે જ્યારે રેનુકા સિંઘે એક વિકેટ ઝડપી છે. આજની મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે મેચની શરૂઆતથી જ નેપાળની ટીમ ઘૂંટણીઓ જોવા મળી હતી. નેપાળ તરફથી સીતા રાનાએ બે વિકેટ જ્યારે કાબીતા જોશીએ એક વિકેટ ખેરવી હતી, જ્યારે બેટિંગમાં કોઈપણ ખેલાડી દમદાર બેટિંગ કરી શકી ન હતી. વાસ્તવમાં ભારત-પાકિસ્તાન-નેપાળ-યુએઈની ટીમ એક જ ગ્રૂપમાં હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ તેની તમામ મેચો જીતીને પોઈન્ટ ટેબલમાં છ પોઈન્ટ સાથે ટોપમાં આવી ગઈ છે. જ્યારે પાકિસ્તાને ત્રણ મેચોમાંથી બે મેચમાં જીત મેળવી છે. તેણે એક મેચમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન ચાર પોઈન્ટ સાથે બીજા સ્થાને, નેપાળ ત્રણ મેચમાંથી એક મેચ જીતીને ત્રીજા સ્થાને આવી ગયું છે. જ્યારે યુએઈની ટીમ તેની ત્રણેય મેચો હારી ગઈ છે.