દિલ્હી: પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત સામે કોંગ્રેસનુ પ્રદર્શન, કાર્યકર્તાઓની અટકાયત

June 29, 2020

નવી દિલ્હી : કોરોના સંકટ વચ્ચે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને લઈને આજે કોંગ્રેસ પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. સોમવારે દિલ્હી કોંગ્રેસના કાર્યકર્તા જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલના ઘરની બહાર પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા. તો દિલ્હી પોલીસે તમામની અટકાયત કરી છે.

કોંગ્રેસ કાર્યકર્તા મુખ્યમંત્રી આવાસની બહાર ધરણા કરવા પહોંચ્યા હતા. દિલ્હીમાં અત્યારે ડીઝલ અને પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. સોમવારે પણ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થયો છે. દિલ્હીમાં 5 પૈસા પેટ્રોલ વધીને 80.43 રૂપિયા અને 13 પૈસાના વધારા સાથે ડીઝલ 80.53 રૂપિયા થઈ ગયુ છે.

રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરતા ટ્વીટ કરી લખ્યુ કે આવો #SpeakUpAgainstFuelHike Campaign સાથે જોડાઈએ. રાહુલ ગાંધીએ સોમવારે જે વીડિયો ટ્વીટ કર્યો છે તેમાં કહેવામાં આવી રહ્યુ છે કે કોરોના સંકટ અને ચીનની સાથે વણસતી પરિસ્થિતિ વચ્ચે સરકારે સામાન્ય માણસને પોતાની પરિસ્થિતિ પર છોડી દીધા છે. આમાં કહેવામાં આવ્યુ છે કે લોકો પાસે રોજગાર નથી અને કેન્દ્ર સરકાર 21 દિવસથી દરરોજ ભાવવધારો કરી રહી છે.

અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મુદ્દે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. સોનિયા ગાંધીએ અપીલ કરી હતી કે આ સમયે લોકો પાસે રોજગારનુ સંકટ છે એવામાં સરકાર ભાવવધારાને પાછો લે.