દિલ્હી ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત 8મીએ મતદાન, 11મીએ પરિણામ

February 06, 2020

નવીદિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ત્રણેય મુખ્ય પક્ષો ભાજપ, આપ અને કોંગ્રેસે લોકો સમક્ષ મત માગવાના ભાગરૂપે એડીચોટીનું જોર લગાવ્યું.

ભાજપે એકબાજુ શાહીનબાગમાં નાગરિકતા વિરોધી દેખાવોને ચૂંટણી મુદ્દો બનાવ્યો તો આપે છેલ્લા પાંચ વર્ષમાં દિલ્હી સરકારના વિકાસ કાર્યોને મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસે બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો. આ સાથે ગુરૂવારે સાંજે 6.00 વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા હતા. હવે શનિવારે મતદાન થશે અને 11મી ફેબુ્રઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે.

દરમિયાન ચૂંટણી પંચે ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથને 'આતંકીઓ માટે બિરિયાની'વાળા વિવાદાસ્પદ નિવેદન બદલ કારણદર્શક નોટીસ પાઠવી હતી. પંચે તેમને શુક્રવાર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઊત્તર-પૂર્વ દિલ્હીમાં સીલમપુર, પશ્ચિમ દિલ્હીમાં હરીનગર અને માદીપુરમાં ત્રણ રેલીઓ યોજી હતી. નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ પૂર્વીય દિલ્હીના તેમના પતપરગંજ મતવિસ્તારમાં પદયાત્રા કાઢી હતી.

રાષ્ટ્રીય રાજધાનીના વિકાસ માટે કેન્દ્રના કામોથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરનાર ભાજપે યુ-ટર્ન લેતાં શાહીનબાગમાં સીએએ વિરોધી દેખાવોને ચૂંટણી મુદ્દો બનાવ્યો અને આપ તથા કોંગ્રેસનો તેને ટેકો હોવાનો દાવો કર્યો હતો. ભાજપના ચૂંટણી પ્રચાર પર નજર કરીએ તો વડાપ્રધાને બે રેલીઓને જ્યારે ગૃહમંત્રી અણિત શાહે તેમના કરતાં વધુ રેલીઓને સંબોધન કર્યું.

ભાજપના ચૂંટણી પ્રચારમાં શાહીનબાગનો મુદ્દો છવાયેલો રહ્યો અનુરાગ ઠાકુરે શાહીનબાગના વિરોધોને ટાંકતા 'દેશના ગદ્દારોને ગોળી મારો'નો સૂત્રોચ્ચાર કરાવ્યો તો પ્રવેશ વર્માએ પણ શાહીનબાગ અંગે વિવાદાસ્પદ નિવેદન કરતાં ચૂંટણી પંચે બંને નેતા પર 72 અને 96 કલાકનો પ્રતિબંધ મૂકી દીધો હતો. આમ આદમી પાર્ટીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચારનું સુકાન સંભાળ્યું હતું. તેમણે રેલીઓ સંબોધવાના બદલે રોડ શો અને જાહેર મીટિંગો પર વધુ ફોકસ કર્યું.

પ્રવેશ વર્માએ કેજરીવાલને 'આતંકી' ગણાવતાં આપે ભાજપના વિરોધમાં બધા જ 70 મતવિસ્તારોમાં શાંત રેલી કાઢી હતી. ભાજપ અને આપના ચૂંટણી પ્રચારની સરખામણીમાં કોંગ્રેસ લગભગ ગેરહાજર જ રહી હતી. જોકે, છેલ્લે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ જાહેર બેઠકોને સંબોધન કર્યું હતું.